ઉદ્યોગોમાં વૈશ્વિક મંદી સાથે કામદારોની અછત
યુક્રેન યુદ્ધ,ટેરિફ અને બિહાર ચૂંટણીની અસર
ઉદ્યોગમાં ઉત્પાદન પ્રક્રિયા પર પડી અસર
ઉદ્યોગ જગતમાં ચિંતાનું કારણ છવાયું
સ્વચાલન પદ્ધતિ તરફ આગળ વધવાનો પ્રયાસ
અંકલેશ્વર ઔદ્યોગિક આલમ વર્તમાન સમયમાં બેવડી તકલીફોથી ઘેરાયેલું છે,એક તરફ વૈશ્વિક ધોરણ અને બીજું બિહાર વિધાનસભાની ચૂંટણીની અસર ઉદ્યોગો પર વર્તાય રહી છે,કામદારોની અછતને પરિણામે ઉત્પાદન પ્રક્રિયા ઠપ થઇ ગઈ હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અને મંદીનો માર સહન કરતા ઉદ્યોગો હાલમાં ઠપ થઇ ગયા છે. ટેરીફના બોમ્બ બાદ મંથર ગતિએ ચાલતા ઉદ્યોગો માટે બિહાર વિધાનસભાની ચૂંટણીએ કામદારોની અછત સર્જી દીધી છે.અંકલેશ્વર-પાનોલી જી.આઈ.ડી.સી.વિસ્તારના ઉદ્યોગકારો જણાવે છે કે હાલ રોકડિયા કામદારો મળવા મુશ્કેલ બન્યા છે. ખાસ કરીને ફાર્મા અને કેમિકલ સેક્ટર પર તેનું સૌથી વધુ પ્રભાવ જોવા મળી રહ્યો છે.
ઉદ્યોગકારો કહે છે કે યુક્રેન યુદ્ધ પછી કાચા માલના ભાવમાં વધારો થયો હતો, ત્યારબાદ અમેરિકાના ટેરિફ વધારાથી નિકાસમાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી. હવે દિવાળી તહેવાર અને વેકેશન સાથે બિહાર રાજ્યમાં યોજાનારી ચૂંટણીને કારણે મોટા પ્રમાણમાં બિહારી કામદારોએ મતદાન માટે વતનની વાટ પકડી છે.
અંકલેશ્વર ઉદ્યોગમંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષથી રશિયા યુક્રેન યુદ્ધ અને ત્યાર બાદ અમેરિકાના ટેરીફથી ઉદ્યોગોમાં ભારે ફટકો પડ્યો છે.અને હવે કામદારોની અછતે પણ ઉદ્યોગોની કમર તોડી નાખી છે.
દિવાળી પર વતન તરફ જતા પરપ્રાંતીય કામદારો છટ્ઠ પૂજા બાદ પરત આવે છે.પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણીને કારણે કામદારોની ખોટ ઉદ્યોગોને પડી રહી છે.પરિણામે ઉદ્યોગોમાં કામદારોની અછત સર્જાતા ઉત્પાદન ક્ષમતા ઘટી છે. અંકલેશ્વર-પાનોલી વિસ્તારમાં ફાર્મા સેક્ટરમાં લગભગ 40 ટકાનો ઉત્પાદન ઘટાડો નોંધાયો હોવાનું ઉદ્યોગ જગતમાંથી જાણવા મળ્યું છે.
વિવિધ પ્રોડક્ટના ઉત્પાદન પર તેની સીધી અસર થઈ રહી છે.ઉદ્યોગકારો હવે ચિંતિત છે કે જો આવી સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો કામદારોની અછતને પહોંચી વળવા માટે ઓટોમેશન (સ્વચાલન) ટેકનોલોજી અપનાવી ફરજિયાત બનશે.