અંકલેશ્વરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી
10 ફૂટ ઉંડા ખાડામાં મોપેડ ખાબકી
ડ્રેનેજ લાઈનની કામગીરી માટે ખોદવામાં આવ્યો હતો ખાડો
બેરીકેટિંગ વગર 10 દિવસથી ખાડો બન્યો મોતના મુખ સમાન
એજન્સી સામે કડક પગલા ક્યારે ભરાશે ?
અંકલેશ્વરમાં ડ્રેનેજ લાઈનની કામગીરી માટે ખોદવામાં આવેલ 10 ફૂટ ઉંડા ખાડામાં મોપેડ ખાબકતા દોડધામ મચી જવા પામી હતી જોકે મોપેડ સવાર 2 લોકોનો આબાદ બચાવ હતો હતો.આ તરફ બેરીકેટિંગ વગર કામગીરી કરવામાં આવતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.
અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો. ડ્રેનેજ માટે છેલ્લા 10 દિવસથી ખોદવામાં આવેલા 10 ફૂટ ઉંડા ખુલ્લા ખાડામાં મોપેડ ખાબકતાં અચાનક દુર્ઘટના સર્જાઈ હતી.માર્ગ પર કોઈપણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરીકેટિંગ ન મૂકવામાં આવતા મોપેડ ચાલકને ખાડાની જાણ ન થઈ અને અકસ્માત સર્જાયો. ઘટનામાં મોપેડને નુકસાન થયું હતું, જોકે મોપેડ ચાલક સહિત બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો.
અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા નગર સેવા સદન સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે ડ્રેનેજ કામગીરી દરમિયાન સુરક્ષા નિયમોની ગંભીર અવગણના કરવામાં આવી છે. ખુલ્લા ખાડા પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ સર્જાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.કોન્ટ્રાકટર દ્વારા માત્ર પ્લાસ્ટીકની પટ્ટી લગાવી લીપાપોતી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટના અંગે અંકલેશ્વર નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ ક્લોડિયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં ડ્રેનેજ લાઈનની કામગીરી જીયુડીસી દ્વારા કરવામાં આવી રહી છે.જીયુડીસીએ જે એજન્સીને કોન્ટ્રાકટ આપ્યો છે તેને બેરીકેટિંગ કરવા માટે અગાઉ 5 વખત લેખિતમાં સૂચના આપવામાં આવી છે જોકે આજે દુર્ગઘટના સર્જાતા ફરીવાર એજન્સીને નોટીસ આપી તેના પર દંડનીય કાર્યવાહી કરવા જીયુડીસીને જાણ કરવામાં આવશે.
મોતના મુખ સમાન 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકયા બાદ પણ મોપેડ સવાર 2 લોકોને ચમત્કારીત બચાવ તો થયો હતો પરંતુ મોટી દુર્ઘટના સર્જાતે તો દોષ કોને દેવો એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.5-5 વખત નોટીસ આપ્યા બાદ પણ એજન્સી તંત્રના આદેશનું પાલન ન કરતી હોય તો તેના પર કડક પગલા ક્યારે ભરાશે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.આ દુર્ઘટના બાદ પણ અન્ય એક કાર આ જ સ્થળે ફસાઈ ગઈ હતી ત્યારે તંત્ર ક્યારે બેરીકેટિંગ કરાવે છે એ જોવું રહ્યું.