ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઈડીસીની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝા ખાતે ગત તા. 9મી જુલાઇના રોજ કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારના અનુભવ આધારીત જ્ગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી હતી. જે અંગેનો વિડીયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો હતો. જે બાદ ભરૂચ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે કે, જે મુજબ અંકલેશ્વરના ઓપન ઇન્ટરવ્યુમાં 500થી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા.
આ જગ્યાની ભરતી માટે કંપની દ્વારા હત તા. 7મી જુલાઇના રોજ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવી હતી. જોકે, 500થી વધુ ઉમેદવારો એક જ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાના હતા, ત્યારે તે માટે ખૂબ જ નાની જગ્યા પસંદ કરવામાં આવી હતી. કંપની દ્વારા આ જ્ગ્યાઓની ભરતી માટે રોજગાર કચેરી-ભરૂચ ખાતે જાણ કરવામાં આવી નહોતી. ઉપરાંત અનુભવી ઉમેદવારોની ભરતીનું આયોજન કર્યું હોવાથી રોજગારીની સ્થિતિમાં કોઇ અસર થાય તેમ ન હતું. કંપની દ્વારા ખાલી જ્ગ્યા અંગેના કમ્પલસરી નોટીફિકેશન ઓફ વેકેન્સી એન્ડ વેકેન્સી એક્ટની કલમ હેઠળ જાણ કરવામાં આવી ન હોય, જેથી નિયમનો ઉલ્લંઘન કર્યું હોવાનું સ્પષ્ટ જણાય આવ્યું છે. આ સાથે જ કંપનીએ રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળામાં સામેલ થઇ ભરતીનું આયોજન કરવું જોઇતું હતું. સદર આયોજનમાં 500થી વધુ ઉમેદવારો એક જ જગ્યાએ ભેગા થવાના હોય, ત્યારે પોલીસ બંદોબસ્ત કે, સિક્યુરિટી ગાર્ડ જેવી અન્ય વ્યવસ્થાની બાબત ધ્યાને લેવામાં આવેલ જણાતી નહોતી. જેથી તે દિશામાં પણ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તપાસ હાથ ધરવામાં આવનાર છે.
/connect-gujarat/media/media_files/2025/07/08/new-thumblain-copy-copy-2025-07-08-21-20-48.jpg)