આવતીકાલે પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી થશે
રાખડીની ખરીદી માટે આજે બજારોમાં જામી ભારે ભીડ
બજારોમાં રાખડીની અવનવી વેરાયટીઓ જોવા મળી
રુદ્રાક્ષ, સુખડ, ડાયમંડ, ચાંદીની રાખડીઓનો ભારે ક્રેઝ
આ વર્ષે ઘરાકી સારી નીકળે તેવી વેપારીઓને આશા
આવતીકાલે રક્ષાબંધનના પર્વને લઈને આજરોજ ભરૂચ શહેર તથા અંકલેશ્વરના રાખડી બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પર્વ એવા રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈની રક્ષા કાજે બહેનો દ્વારા રાખડી, રક્ષાસૂત્ર બાંધી તેમના લાંબા આયુષ્યની કામના કરાતી હોય છે, સામે પોતાની બહેનની દરેક તકલીફોમાં હિમાલયની જેમ અડગ ઉભો રહી તેની રક્ષા કરવાનું વચન આપી ભાઈ તેને જીવનપર્યતં નિભાવતો હોય છે,
ત્યારે રક્ષાબંધન પર્વને હવે એક દિવસ બાકી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના બજારોમાં રાખડીઓ, રક્ષાસૂત્રની ખરીદી કરવા દુકાનો-લારીઓ પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ વખતે બજારમાં રાખડીઓની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે.
જેમાં રૂ. 10થી માંડી 500 રૂપિયા સુધીની વિવિધ જાતની રાખડીઓ ઉપલબ્ધ છે. જોકે, અવનવા કલરના નાના-મોટા ગોટાઓ, ડિઝાઇનેબલ, સુતર, રુદ્રાક્ષ અને સુખડની ડાયમંડની રાખડી તેમજ ચાંદીની રાખડીઓનો ભારે ક્રેઝ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘરાકી સારી નીકળે તેવી વેપારીઓ આશા લગાવીને બેઠા છે.