ખોરાક-ઔષધ નિયમન તંત્રના અમદાવાદ-અંકલેશ્વરમાં દરોડા
અંકલેશ્વરની એક્ષીસ ફાર્માકેમના સંચાલકોની સંડોવળી સામે આવી
પનોલીની આઇકોનીક ફાર્માકેમમાં ગેરકાયદે બનાવતા હતા દવા
પરવાના વગર પ્રિગાબલિન દવા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
રૂ. 21.50 લાખના પ્રિગાબલિન દવા સહિત મુદ્દામાલ જપ્ત કરાયો
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ઇસમોમાં ફેલાયો ડરનો માહોલ
રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. તેવામાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે, અને ગેરકાયદેસર તેમજ બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં માન્ય પરવાના વગર દવાના ટ્રેડીંગ કરતી મે. એસ્ટીંમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડી પ્રિગાબલિન નામના અંદાજીત રૂ. 21.50 લાખની કિંમતનો બલ્ક ડ્રગનો 1 હજાર કિ.ગ્રા. જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી.કોશિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તંત્રને મળેલ બાતમી મુજબ APIનું ટ્રેડીંગ કરતી અમદાવાદની મે. એસ્ટીંમ એન્ટરરપ્રાઇઝમાં દરોડો પાડતા અંદાજીત રૂ. 85 લાખની કિંમતનું 4,300 કિ.ગ્રા. પ્રિગાબલિનનું વેચાણ કર્યાના પુરાવા મળ્યા હતા,
જ્યારે મળતી માહિતીના આધારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની મે. એક્ષીસ ફાર્માકેમના માલીક અને આઇકોનીક ફાર્માકેમના ભાગીદારો તથા અન્ય ઇસમોની સંડોવણીથી પનોલીની આઇકોનીક ફાર્માકેમ દ્વારા તેઓની કેમીકલ ફેક્ટરીમાં દવા બનાવવાના કોઇપણ જાતના પરવાના ન હોવા છતાં પ્રિગાબલિન દવા બનાવતા ઝડપી પાડવામાં આવ્યા છે. એક્ષીસ ફાર્માકેમ પેઢી પોતાના લાયસન્સિનો ઉપયોગ કરીને કોઇપણ જાતના ડોક્યુમેન્ટ બનાવ્યા વગર પાનોલીની આઇકોનીક ફાર્માકેમમાંથી પ્રિગાબલિન API મેળવી 1 કિ.ગ્રા. પર કમીશન લઈ લેબલ લગાવી વેચાણ બીલો બનાવી તેમના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કરી આ કેસમાં સીધી રીતે સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવટનું ટેસ્ટીંગ અંકલેશ્વરની બાયોક્રોમ એનાલિટીકલ લેબ દ્વારા PTLના કોઇપણ જાતના લાયસન્સ ન હોવા છતાં, કાયદેસરના કોઇપણ જાતના ડોક્યુમેન્ટ રાખ્યાં વગર તેઓને વ્હોટ્સપ દ્વારા ટેસ્ટ રીપોર્ટ બનાવી આપતા હોવાનો ખુલાસો થયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પરથી રૂ. 21.50 લાખની કિંમતનો 1 હજાર કિ.ગ્રા. પ્રિગાબલિન દવાના જથ્થાનો નમૂનો મેળવી લેબોરેટરી ખાતે પૃથ્થકરણ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ડર ફેલાયો છે.