અંકલેશ્વરની પીરામણ પ્રાથમિક શાળાનો બનાવ
6 વર્ષના બાળકનું મોત નિપજ્યું
રમી રહ્યો હતો એ દરમ્યાન લોખંડનો રેક પડ્યો
ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું
એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં રમી રહેલ 6 વર્ષના બાળકના માથા પર લોખંડનો રેક પડતા ગંભીર ઇજાના પગલે તેનું કરુણ મોત નિપજ્યું હતું
અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 6 વર્ષીય બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પીરામણમાં રહેતા સુખદેવ વસાવા નામના વાલીનો છ વર્ષીય પુત્ર હાર્દિક આજરોજ બપોરના સમયે શાળામાં મૂકવામાં આવેલા રમતગમતના સાધનો પર રમી રહ્યો હતો. આ દરમિયાન રમતગમત માટે બનાવાય લોખંડનો રેક અચાનક જ ધારાશયી થઈ હાર્દિકના માથા પર પડ્યો હતો જેમાં બાળકને ગંભીર ઈજા પહોંચી હતી.આ દ્રશ્યો જોતા શાળાના શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા હતા. બાળકને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ પીરામણમાં જ આવેલ એચ.એમ.પી. હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જોકે તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અકસ્માત મોત અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શાળામાં રમી રહેલા બાળકનું લોખંડનો રેક પડતા મોત નિપજ્યું હતું ત્યારે શાળાસંચાલકોની બેદરકારી સામે આવી છે.આ તરફ 6 વર્ષના લાડકવાયાનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.