New Update
/connect-gujarat/media/media_files/2024/12/02/3WTV494uhbK1lZ9HJ6Hm.png)
અંકલેશ્વરના દીવા રોડના નવીનીકરણની કામગીરીમાં નગર સેવા સદન દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ સાથે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા ગાંધીગીરી કરવામાં આવી હતી. નવનિર્મિત માર્ગ પર બમ્પર પર સૂચક પટ્ટા ન હોવાથી થતા અકસ્માતો ટાળવા મહિલાઓ દ્વારા જાતે જ કલરકામ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ દાંડી હેરિટેજ માર્ગ અંતર્ગત અંકલેશ્વરના દીવા રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રૂપિયા 28 લાખના ખર્ચે આ કામગીરી હાથ ધરાઈ હતી જોકે માર્ગની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તેના ઉપર રહેલ ડસ્ટ ક્વોરી સાફ ન કરાતા વાહનો સ્લીપ થઈ જવાના અનેક બનાવો બનતા હતા સાથે જ ધૂળ ઉડતા સ્થાનિકો તેમજ આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ તરફ માર્ગ પર અનેક જગ્યાએ બમ્પર બનાવવામાં આવ્યા છે પરંતુ બમ્પરના સૂચક પટ્ટા ન લગાવવામાં આવતા અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા હતા ત્યારે નજીકમાં કાર્યરત યોગ બોર્ડની મહિલાઓ દ્વારા આજરોજ ગાંધીગીરી કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા ટ્રાફિકને અડચણ ન પહોંચે તે રીતે માર્ગ પર રહેલ ડસ્ટ સાફ કરવામાં આવી હતી સાથે જ બમ્પર પર કલર કામ પણ કરવામાં આવ્યું હતું.આ અંગે યોગ બોર્ડના હેનીબહેન ચૌહાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે નગરસેવા સદન દ્વારા આ માર્ગની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે અને જે એજન્સીએ કામ કર્યું છે તેણે કામ અધૂરી મૂકી દીધું છે ત્યારે એજન્સીના પૈસા કાપી તેને બિલનું ચૂકવવું થવું જોઈએ.
આ અંગે નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે દાંડી માર્ગની કામગીરી હજુ બાકી છે. ડામર રોડનું કામ પૂર્ણ થઈ ગયા બાદ તેના પર સાફ-સફાઈ કરી ફરીથી તેના પર ડામર પાથરવામાં આવશે અને ત્યારબાદ બમ્પર છે તેના પર કલર પટ્ટા લગાવવામાં આવશે.
Latest Stories