ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં પાવન સલિલા માઁ નર્મદાના તટે આવેલ સંસ્કૃત પાઠશાળા ખાતે ભુદેવોએ સમૂહ યજ્ઞોપવીત ધારણ કર્યા હતા.
હિન્દુ ધર્મમાં જનોઈનું ઘણું ધાર્મિક મહત્વ છે. તે 'યજ્ઞોપવીત' તરીકે પણ ઓળખાય છે. સનાતન પરંપરા અનુસાર, જનોઈના 3 તાંતણા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક છે, ત્યારે આજે પવિત્ર રક્ષાબંધનના પાવન અવસરે ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બ્રાહ્મણોએ પોતાની જનોઇ બદલી હતી. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઇને રાખડી તો બાંધે જ છે. પણ આજના પાવન અવસરે ભુદેવો પોતાની જનોઇ બદલે છે. પાવન સલિલા મા નર્મદાના તટે સંસ્કૃત પાઠશાળા ખાતે ઋુષિકુમારો વેદ અને શાસ્ત્રોકત વિધિઓનો અભ્યાસ કરે છે. રક્ષાબંધનના દિવસે નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ભુદેવોએ એકત્ર થઇ જનોઇ બદલી હતી. મંત્રોચ્ચારના કારણે પાઠશાળા ખાતે ભકિતસભર માહોલ જોવા મળ્યો હતો.