ભરૂચ જિલ્લાના વાગરા પોલીસે ભેરસમ ગામ નજીક ઇક્કો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ઈક્કો કાર સાથે 2 ઇસમોને ઝડપી પાડી દેશી દારૂ અને કાર મળીને કુલ રૂ. 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે દારૂ આપનારને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વાગરા પોલીસનો સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે સમયે સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે, એક સિલ્વર કલરની ઇક્કો ફોરવ્હીલ ગાડી નંબર GJ-16-CS- 4738માં દેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો ભરી વાસી ગામ તરફથી ભેરસમ કોઠીયા રોડ તરફ આવનાર છે. જેથી ચોક્કસ માહીતીના આધારે કોઠીયા ગામથી ભેરસમ ગામ તરફ જતા રોડ પર અમલેશ્વર ગામ તરફ જવાના નાળા ખાતે પોલીસ સ્ટાફ વોચમાં હતો.
આ સમયે માહિતીવાળી કાર આવતા તેને રોકી તેમાં તપાસ કરતા તેમાં બેઠેલા ધર્મેશ મનુભાઈ વસાવા અને અરવિંદ રતિલાલ વસાવા મળી આવ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં દેશી દારૂ લેખે 65 થેલીમાં કુલ 325 લીટર દેશી દારૂ ભરેલ હોય એક લીટર દેશી ઠારૂની કિંમત રૂ. 200 લેખે ગણતા કુલ 325 લીટર દેશી દારૂની કિંમત રૂપીયા 65,000 અને ઇક્કો કારની કિંમત રૂ. 2,50, 000 લાખ ગણી કુલ રૂ. 3,20,000 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે દારૂ અંગે બન્નેની પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો ચાવજ ખાતે રહેતા સંતોષ જીવણભાઈ વસાવાએ આપ્યો હોવાનું જણાવતા પોલીસે સંતોષને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતીમાન કર્યા છે.