ભરૂચ જિલ્લામાં ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનના પર્વની આજરોજ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.બહેનોએ ભાઈઓના હાથે રાખડી બાંધી તહેવારની ઉજવણી કરી હતી.
રક્ષાબંધનએ ભાઈઓ અને બહેનો વચ્ચે પ્રેમનો એક સુંદર તહેવાર છે.આ દિવસે ભાઈ-બહેન એકબીજાની સુરક્ષા માટે એકબીજાના હાથ પર રાખડી બાંધે છે. આ પવિત્ર પ્રથા ભાઈ-બહેનના પરસ્પર પ્રેમ અને સુરક્ષાના વચનને મજબૂત બનાવે છે.ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનના પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચમાં પણ બહેનોએ ભાઈના હાથ પર રાખડી બાંધી આ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
પૈરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનું સુદર્શન ચક્ર છોડી દીધું હતું.પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને પછી ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું,ત્યારે તેમની તર્જની આંગળીમાં ઊંડો ઘા થયો હતો. દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો હતો. દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે ત્યારથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે.
તો બીજી તરફ અંકલેશ્વરમાં રક્ષાબંધન પર્વની હેતરૂપી ઉજવણી કરવામાં આવી હતી.શ્રાવણ પૂનમ,એટલે બળેવ પૂર્ણિમા અને ખાસ કરીને રક્ષાબંધનના પર્વ તરીકે ઉજવાતા આ પવિત્ર તહેવાર પ્રસંગે બહેને વ્હાલસોયા ભાઈની કલાઈ પર રક્ષાબાંધી હતી. જ્યારે ભાઈએ પણ બહેનની રક્ષા કાજેનું અતૂટ વચન આપ્યુ હતુ. અતૂટ અને નિસ્વાર્થ ભાવથી ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રક્ષાબંધન પ્રસંગે નાના નાના ભુલકાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે બાળકોમાં પ્રિય એવા કાર્ટૂન કેરેક્ટર વાળી રાખડી ઓની પણ બોલબાલા જોવા મળી હતી.
અંકલેશ્વરમાં પોતાના વતનથી દૂર રોજીરોટી માટે રહેતા ભાઈઓને પણ પોતાની બહેનનો હસ્તલિખિત પત્ર અને રાખડી મળતા તેઓ ભાવુક હૃદય સાથે પત્ર વાંચીને પોતાની કલાઈ પર રાખડી બાંધી હતી.આમ તો હવે સોશિયલ મિડીયાનો યુગ છે અને વાર તહેવારની શુભેચ્છાઓ પણ તેના થકીજ પાઠવવામાં યુવા પેઢી માને છે, અને લગ્ન કે અન્ય શુભ અશુભ પ્રસંગોના આમંત્રણ પણ સોશિયલ મિડીયાના માધ્યમથી મોકલવામાં આવે છે, જ્યારે એક માત્ર રક્ષાબંધન પર્વ એવો છે કે બહેન હસ્તલિખિત પત્ર અને તેમાં સુંદર રાખડીનું પરબીડિયુ બનાવીને પોસ્ટ કે કુરિયરના માધ્યમથી મોકલે છે.