-
ઉત્તરાયણ પર્વમાં સલામતી માટે કરાઈ અપીલ
-
DGVCLના કાર્યપાલક ઇજનેરે લોકોને કરી અપીલ
-
પતંગ સાવધાની પૂર્વક ઉડાવવા માટે અપાઈ સૂચના
-
ખુલ્લા વીજ તારથી દૂર રહેવા કરાઈ અપીલ
-
DGVCL દ્વારા ટોલ ફ્રી નંબર કરાયો જાહેર
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વના દિવસે વહેલી સવારથી જ પતંગ ચગાવવા માટે ધાબા અગાસી અને ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં ઉત્સવપ્રિય લોકો એકત્ર થઈને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરનાર છે.ત્યારે આ હર્ષોઉલ્લાસનો પ્રસંગ દુઃખમાં ન ફેરવાય તે માટે ભરૂચ DGVCLના શહેરી કાર્યપાલક ઇજનેર એન.ડી.પરમાર દ્વારા લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી અપીલ કરતા જણાવ્યું હતું કે,ખુલ્લા વીજળીના તારને અડકશો નહિ,તાર ઉપર ફસાયેલી પતંગ લેવા લંગર નાખશો નહિ.
લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થઈ મોટા ભડાકાથી તાર તૂટી જવાની ભીતી રહે છે. તેમજ વીજ વપરાશના સાધનો,ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે.ઘરની આજુ-બાજુ કે કોઈપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરશો નહિ.ધાતુના તાર બાંધીને પતંગ ન ઉડાડવા કારણ કે ધાતુના તારથી વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે.
આ સાથે જ મેગ્નેટિક ટેપ,સિન્થેટીક દોરી કે વીજ વાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ન કરવો,કેમકે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે,જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે.તૂટેલા તારથી દૂર રહો.નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ ડીજીવીસીએલની કચેરીમાં કરવી. જ્યારે વીજ અંગેની કોઈપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નં.1800 233 3003 અથવા 19122 પર ફોન કરી શકાય છે.