ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી
પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી સામાન્ય સભા
વિકાસના કામો અને ઠરાવોને મંજૂરીની મહોર
રોડ સહિતના વિકાસલક્ષી કાર્યોને મળી મંજૂરી
ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પંચાયતના પ્રમુખ, અધિકારીઓ અને પદાધિકારીઓ ની ઉપસ્થિતિમાં સભા ભવનમાં યોજાઈ હતી.જેમાં વિવિધ વિકાસના કામો અને ઠરાવોને મંજૂર કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ઉપપ્રમુખ આરતી પટેલ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયાએ જણાવ્યું હતું કે,545 ગ્રામ પંચાયત પૈકી સી. ડી.પી- 5 યોજના હેઠળ 149 ગ્રામ પંચાયત અને 17 ગ્રામ પંચાયત રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન યોજના હેઠળ મંજુર થયેલ છે. સી.ડી.પી- 5 યોજના હેઠળ 16.50 કરોડનાં 67 ગ્રામ પંચાયતનાં ટેન્ડરોને આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
જિલ્લા પંચાયત હેઠળનાં અંદાજિત રકમ 212.77 કરોડનાં કુલ 185 રોડનું ટેન્ડર થયેલ છે, જે પૈકી 173 રોડ માટે રાજ્ય સરકારમાંથી ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે.તે પૈકી 95 રોડનાં કામનાં વર્ક ઓર્ડર ઈસ્યુ કરવામાં આવેલ છે. 78 કામો ડીપોઝીટ લેવલ પર છે, વધુમાં ઉક્ત કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધા પથ યોજના હેઠળનાં 22 કામો તથા બજેટ લમ્પ યોજના હેઠળના 7 રીસરફેસિંગ રોડનાં કામોને બહાલી આપવામાં આવી છે.
જિલ્લા પંચાયત હસ્તકની 16 આંગણવાડીઓ, 6 દુધ ડેરી બિલ્ડિંગ,8 શાળાનાં ઓરડા,5 ડ્રેનેજ લાઈનનાં કામોની ટેન્ડર પ્રક્રિયા બાદ મંજુર કરવામાં આવ્યા છે,જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે.વધુમાં આજની સામાન્ય સભામાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકારે પરિવર્તનકારી NEXT- GENERATION GST સુધારાનો નિર્ણય કર્યો છે.
જેનાથી ખેડુતો, MSMEs, વેપારીઓ, મહિલાઓ, યુવાનો, મધ્યમ વર્ગ સહિતના તમામ વર્ગને લાભ થવાનો છે, આવા GST રિફોર્મ્સ માટે, નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલાને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરવામાં અવ્યો હતો.