New Update
ભરૂચ નર્મદા જિલ્લાની અગ્રગણ્ય ડેરી
દુધધારા ડેરીનો મહાસંગ્રામ
2 રાજકીય મતાંધા વચ્ચે ચૂંટણી જંગ
આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો મારો
ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 સભ્યોના જારી કરેલા મેન્ડેટમાં વર્તમાન ચેરમેમ ઘનશ્યામ પટેલની પેનલના 12 અને ધારાસભ્ય અરૂણસિંહ રણાના 3 ઉમેદવારોને સ્થાન આપવામા આવ્યું છે ત્યારે રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે.આ તરફ સાંસદ મનસુખ વસાવાએ બળતામાં ઘી હોમતા જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી તેઓ ખોટા માણસોને સહકારી ક્ષેત્રમાં આગળ કરતા હોવાના આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યા છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જારી કરી દીધુ છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે મહારથીઓએ પોતાની પેનલ આમને સામને ઉતારી ફોર્મ ભર્યા હતા.ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જારી કરેલા મેન્ડેટમાં 17 વર્ષથી દુધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ અપાયું છે.જ્યારે વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારો ને ભાજપે મેન્ડેટ આપ્યું છે. જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ, વાગરા, આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થાય છે.ચૂંટણી ફોર્મ ભરતા સમયે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, 15 બેઠકો માટે તેઓની પેનલના તમામ ઉમેદવારો ઉમેદવારી કરશે. હવે પક્ષમાંથી મેન્ડેટ આવી જતા 18 મી વખત પણ 12 ઉમેદવારોને લઈ ઘનશ્યામ પટેલની પેનલ ફરી દૂધધારા ડેરીમાં સત્તા હાંસલ કરે તેમ હાલ તો લાગી રહ્યું છે.
બીજી તરફ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારી છે. જોકે તેઓ ઘનશ્યામ પટેલને સમર્થન કરી રહ્યાં છે. હવે ચૂંટણીમાં અરૂણસિંહ રણા કોઈ નવાજુની કરે તો ચેરમેન, વાઇસ ચેરમેન માટે અપસેટ સર્જાઈ શકે છે. બાકી તો પક્ષના મેન્ડેટ પર ચૂંટણીમાં ઘનશ્યામ પટેલનું વધુ એક વખત ચેરમેન પદ પાક્કું લાગી રહ્યું છે.
આ તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખવામાં આવ્યો છે તાજેતરમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં પ્રકાશ દેસાઈને ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો છે ત્યારે આ બાબતે મનસુખ વસાવા દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખને લખેલા પત્રમાં લખ્યું છે કે "પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના સમય ગાળા દરમ્યાન પાર્ટીના જૂના અને સંઘર્ષમાં જેમને કામ કર્યું છે તેવા લોકોની અવગણના કરી બીટીપી માંથી આવેલાઓને ખોટી રીતે વધુ પડતું મહત્વ આપી મહત્વના પદો ઉપર બેસાડી દીધેલ છે તે જ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો. પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ, દૂધ ધારા ડેરીમાં આપતા નથી. પોતાના ગામતી પણ ડેરી નથી બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમ્મેદવારી કરી છે.
આ તરફ ભાજપના એક જૂથે કરેલા આક્ષેપ અનુસાર જેમને મેન્ડેટ આપવામાં આવ્યા છે તેઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયેલા છે તેવા લોકોને ટિકિટ આપી દેતા કચવાટ ઉભો થયો છે.ભરૂચ અને નર્મદા જિલ્લામાં સહકારી ક્ષેત્રે અગ્રગણ્ય દૂધ ધારા ડેરીમાં 50 હજાર જેટલા સભાસદો નોંધાયેલા છે. ડેરીનું વાર્ષિક ટન ઓવર પણ રૂપિયા 1000 કરોડ જેટલું છે ત્યારે ડેરીમાં સત્તાનું સુકાન સર કરવા આ વખતે સહકારી ક્ષેત્રના મહારથી એવા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પણ પોતાની પેનલ ઉતારી છે.ડેરીની ચૂંટણીમાં 12 સામાન્ય, 2 મહિલા અને એક એસ.સી. એસ.ટી. બેઠક છે. બન્ને જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ હરોળની દુધધારા ડેરીની આ ચૂંટણી રસકસી ભરી બની રહેશે તેમ લાગી રહ્યું છે.
Latest Stories