-
આજે તારીખ 22 માર્ચ- વિશ્વ જળ દિવસ
-
જળ સંરક્ષણ માટે ઉજવવામાં આવે છે આ દિવસ
-
ભરૂચમાં પાણીના પરંપરાગત સ્ત્રોતની જાળવણીનો અભાવ
-
ઐતિહાસિક વણઝારી વાવ વિકાસના અભાવે ખંડેર બની
-
રતન તળાવનું પાણી પણ બિન ઉપયોગી
વિશ્વભરમાં જળ સંરક્ષણ માટે આજના દિવસ એટલે કે તારીખ 22મી માર્ચને જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ ભરૂચમાં પાણીના એવા પરંપરાગત સ્રોતો છે જેના સંરક્ષણમાં તંત્ર ઉણુ ઉતર્યું હોય એમ લાગી રહ્યું છે.
વિશ્વ જળ દિવસ 22 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી 1993થી શરૂ થઈ હતી. આ દિવસનો મુખ્ય હેતુ વિશ્વભરમાં જળ સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે.માનવ જીવન માટે હવા, પાણી અને ખોરાક અનિવાર્ય છે. પાણી વગર જીવન શક્ય નથી. તેથી જળ સંરક્ષણ આપણી પ્રાથમિક જવાબદારી છે. પાણીનો દુરુપયોગ અટકાવવો એ સામૂહિક ફરજ છે. ભરૂચમાં પણ અનેક એવા સ્થળો આવેલા છે જ્યાં પાણીનો સંગ્રહ કરી શકાય છે અને વર્ષ દરમિયાનએ પાણીને ઉપયોગમાં લઈ શકાય છે પરંતુ જાળવણીના અભાવે હવે આવા સ્થળો ધૂળ ખાઈ રહ્યા છે.
સૌપ્રથમ વાત કરીએ મકતમપુર વિસ્તારમાં આવેલ ઐતિહાસિક વાવની...ભરૂચ શહેરના મકતપુર વિસ્તારમાં આવેલ વણઝારી વાવ એક ઐતિહાસિક ધરોહર છે, જેનું બાંધકામ 700 વર્ષ પૂર્વે થયું હોવાનું માનવામાં આવે છે.વિચરતી જાતિ વણઝારા સમાજ દ્વારા પાણીના સંચય માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઇતિહાસના પાનામાં આ વાવનો ઉલ્લેખ પણ જોવા મળે છે. પણ હાલની સ્થિતિમાં વાવમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. સહેલાણીઓ તો દૂર કોઈ સ્થાનિક પણ ત્યાં જવાનું પસંદ નથી કરી રહ્યો. પરિણામે આ વાવ જાણે પોતાના જ અસ્તિત્વ સામે જંગ લડી રહી છે અને વિકાસ ઝંખી રહી છે.થોડા વર્ષો અગાઉ એટલે કે વર્ષ 2009માં આ વાવનું નવનિકરણ કરવામાં આવ્યું હતું. નેતાઓએ આવી ફોટો સેશન કર્યું અને જતા રહ્યા પરંતુ ત્યાર પછી શું..? આટલા વર્ષોમાં કોઈ જ દેખભાળ ન થયા ઐતિહાસિક વાવની આજે આ હાલત થઈ છે.સરકાર હાલમાં તળાવો ઊંડા કરી જળ સંચય યોજના ચલાવી રહી છે ત્યારે પાણી સંચયના ઉત્તમ સ્ત્રોત એવી આ વાવની પણ જાળવણી થાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે
ભરૂચમાં આવુ જ બીજું એક ઉદાહરણ છે રતન તળાવનું. ભરૂચમાં એક સમયે પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે જાણીતું રતન તળાવ પણ વણઝારી વાવની સાથે જ પોતાના અસ્તિત્વ સામે જંગ લડી રહ્યું છે.
ભરૂચનો ઇતિહાસ ઘણો પૌરાણિક છે.કાચબાની પીઠ પર સવાર થઈ ભૃગુઋષિએ ભૃગુ કચ્છ એટલે કે હાલના ભરૂચની સ્થાપના કરી હતી. ભરૂચમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે. જેમાં શહેરના મધ્યમાં આવેલુ રતન તળાવનો પણ સમાવેશ થાય છે. વહીવટી તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં મુકવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં ભલે મુકવામાં આવ્યું હોય પરંતુ તળાવના દ્રશ્યો જોઈને લાગતું નથી કે તેના વિકાસ માટે કોઈ કાર્ય કરવામાં આવ્યું હોય. રતન તળાવમાં 250થી 300 વર્ષના આયુ ધરાવતા કાચબા વસવાટ કરે છે. સમયાંતરે તંત્ર દ્વારા ઐતિહાસિક કાચબાઓનું રક્ષણ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતાં પરંતુ તળાવ દૂષિત થતા અનેક કાચબાઓ મૃત્યુ પામ્યા છે.
રતન તળાવનું પાણી પ્રદૂષિત થતા તેની અસર કાચબા પર તો વર્તાઈ રહી છે પરંતુ દૂષિત પાણીનો હવે કોઈ ઉપયોગ પણ નથી કરી શકતો આસપાસમાં રહેતા લોકોના રોજિંદા વપરાશનું પાણી પણ રતન તળાવમાં ભરે છે જેથી પાણીના ઉત્તમ સ્ત્રોત એવુ રતન તળાવ હવે જાણે નિર્જનઅવસ્થામાં થઈ ગયું છે.
કોઈપણ શહેરના સામાજિક અને આર્થિક વિકાસ માટે પાણી એટલું જ જરૂરી છે પરંતુ પાણીના જે પરંપરાગત સ્ત્રોતો છે તેની જાળવણી કરવાનું તંત્ર જાણે ભૂલી ગયું છે જેની અસર આ બંને પાસા ઉપર થઈ રહી છે. જળ એ જ જીવન છે, પાણી આપણને બચાવશે, જલ હૈ તો કલ હૈ આવાં સૂત્રો માત્ર ભીંતો પર લખવા માટેના નથી, પરંતુ હૃદયમાં તે અંકિત થવા જોઇએ તો જ વિશ્વ જળ દિવસની ઉજવણી સાચા અર્થમાં સાર્થક થઈ ગણાશે....સ્પેશ્યલ રિપોર્ટ રાકેશ ચૌમાલ ભરૂચ