New Update
ભરૂચના વાગરા તાલુકાનો બનાવ
ભૂખી ખાડીમાં અસંખ્ય માછલીના મોત
રસાયણયુક્ત પાણી ખાડીમાં છોડાયુ હોવાની આશંકા
કોઈ બેજવાબદાર ઉદ્યોગનું કારસ્તાન
જીપીસીબીએ તપાસ શરૂ કરી
ભરૂચના વાગરા તાલુકાના વિલાયત ગામમાંથી પસાર થતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે અસંખ્ય માછલીઓના મૃત્યુ થતા ફફડાટ ફેલાયો છે.
ભરૂચના વાગરામાં આવેલ વિલાયત જીઆઈડીસીમાં મોટા કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે.અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓના સમાચાર ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થતા રહે છે ત્યારે વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.કોઈક બેજવાબદાર ઉદ્યોગ દ્વારા વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડાયુ હોવાથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.આ ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત ગામ આગેવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.સૌ પ્રથમ ગ્રામ પંચાયત દ્વારા વાગરા મામલતદારને સંબોધી આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતા જીપીસીબીના કર્મચારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ખાડીમાંથી પાણીના નમુના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.સલામતીના ભાગરૂપે વિલાયત ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી ભૂખી ખાડીમાંથી પકડેલ માછલી વેચવા તેમજ આરોગવાથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી.
Latest Stories