-
શહેરમાં પતંગ બનાવવાનો એકમાત્ર વ્યવસાય કરતો પરિવાર
-
પતંગવાલા પરિવારની ઉત્તરાયણના 2 મહિના પહેલા કામગીરી
-
હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં કરે છે વેંચાણ
-
આધુનિક યુગની પેઢીને પતંગ બનાવાના વ્યવસાયમાં રસ નથી
-
મોંઘવારીના કારણે પતંગના વ્યવસાયનું ભવિષ્ય પુર્ણતાને આરે
ભરૂચમાં પતંગ બનાવતો એક માત્ર પતંગવાલા પરિવાર છે. તેઓ ઉત્તરાયણના 2 મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે, તેમના બાદ પેઢીના કોઈપણ વ્યક્તિને પતંગ બનાવવાના વ્યવસાયમાં રસ ન હોય, જેથી આ વ્યવસાયનું ભવિષ્ય પુર્ણતાને આરે આવ્યું છે.
ભરૂચમાં 19મી સદીમાં ઘોડાગાડીમાં શરૂ થયેલી પતંગવાલા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેમની નવી પેઢીને વ્યવસાયમાં રસ ન હોવાથી પૂર્ણતાના આરે આવી છે. ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ જિલ્લાના પતંગ રસિયાઓ સુસજ્જ થઈ ગયા છે, ત્યારે બજારમાં પતંગ, દોરા, ફીરકી સહિતની ચીજવસ્તુઓની ખરીદી ખીલી રહી છે. પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે. મોટી બજાર વિસ્તારમાં આવેલા ઘોષવાડમાં રહેતા ગુલામ મહંમદ શેખનો પરિવાર શહેરભરમાં પતંગવાલા તરીકે પ્રખ્યાત છે. તેમનો પતંગ બનાવવાનો પેઢીગત વ્યવસાય 19મી સદી એટલે કે, 200 વર્ષ જૂનો છે. જોકે, હાલ મોઘવારીના આ જમાનામાં તમામ ચીજવસ્તુઓ મોંઘી બનતા પતંગવાલા પરિવાર વેચવા જેટલી જ પતંગો બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. હાથ બનાવટથી બનતી પતંગોનો તમામ સામાન હાલમાં અમદાવાદથી લાવવામાં આવે છે. ઉત્તરાયણના 2 મહિના અગાઉથી જ શેખ પરિવારના સભ્યો પતંગ બનાવવાનું કામ શરૂ કરી દે છે. જોકે, આજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત હોવાથી રસ રહ્યો નથી. તો બીજી તરફ, પતંગ બનાવવાના કાચા સામાનમાં ચાર ગણો ભાવ વધારો થયો છે. હાલ તો તમામ વસ્તુ રેડીમેડ મળી રહે છે, પણ જ્યારે 19મી સદીમાં વાસ શોધી લાવી આ પરિવારના વડવા જાતે કમાન બનાવતા હતા, ત્યારે ઉત્તરાયણ પહેલા દર અઠવાડિયે ભરૂચનો પતંગવાલા પરિવાર 40 હજાર પતંગ બનાવી ઘોડાગાડીમાં વડોદરા મોકલતો હતો. આજે તેઓ નખના આકારથી લઈ વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે. જે પતંગબાજી સાથે સુશોભન અને હિંડોળા સહિતના ઉપયોગમાં પણ લેવામાં આવે છે.