ભરૂચ: સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દોરી જતો માર્ગ બન્યો અત્યંત બિસ્માર,વાહન ચાલકો ખખડધજ રસ્તાથી પરેશાન

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જતા માર્ગ પર પડેલા ખાડા અને ધૂળની ઉડતી રજકણોથી વાહન ચાલકો ખુબ જ ત્રાસદાયક રીતે આ માર્ગ પરથી પસાર થઇ રહ્યા છે જેથી કરીને વાહન ચાલકો ખખડધજ રસ્તાથી પરેશાન ઉઠયા છે

New Update
Advertisment
  • SOU માર્ગ બન્યો અત્યંત બિસ્માર 

  • ભરૂચથી ઝઘડિયા તરફ જવું પણ મુશ્કેલરૂપ બન્યું 

  • અંકલેશ્વરથી રાજપીપળા માર્ગ પર પડ્યા ખાડા 

  • રસ્તા પરના ખાડા અને ધૂળની ઉડતી ડમરીઓથી પરેશાની

  • મંથરગતિએ ચાલતી સમારકામની કામગીરીથી લોકોમાં રોષ   

Advertisment
ભરૂચ અંકલેશ્વરથી નર્મદા જિલ્લાના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દોરી જતા માર્ગને SOU માર્ગની ઓળખ આપવામાં આવી છે,જોકે વરસાદની મોસમ બાદ આ રસ્તો અત્યંત બિસ્માર બનતા વાહનચાલકો માટે પરેશાનીનું કારણ બન્યો છે.
નર્મદા જિલ્લાના કેવડિયા એટલે કે એકતાનગર ખાતે વિશ્વની સૌથી મોટી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે,અને સરકાર દ્વારા પણ વધુમાં વધુ પ્રવાસીઓ SOUની મુલાકાત લે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે,જોકે ભરૂચ અને અંકલેશ્વરથી SOUને જોડતા મુખ્ય કડીરૂપ માર્ગ વાહન ચાલકો માટે શિરદર્દ સમાન બની ગયો છે,ભરૂચ નેશનલ હાઇવેથી મુલદ ચોકડી અને ગોવાલી ગામ પાસેથી પસાર થઈને ઝઘડિયા તરફ જતા માર્ગ પર મસ્ત મોટા ખાડા પડવાના કારણે વાહન ચાલકો માટે માર્ગ પરથી પસાર થવું ભયજનક સાબિત થઇ રહ્યું છે.જ્યારે બીજી તરફ અંકલેશ્વરથી રાજપીપળા ચોકડીથી રાજપીપળા અને SOU સુધી પહોંચતા માર્ગના પણ ખસ્તાહાલ થઇ ગયા છે,માર્ગ પર પડેલા મોટા ખાડાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.
ભરૂચ અને અંકલેશ્વરથી ઝઘડિયાનું અંતર લગભગ 15 થી 20 કિલોમીટરનો માર્ગ છે,સામાન્ય રીતે ઝઘડિયા સુધી વાહન દ્વારા પહોંચવામાં માત્ર 15 મિનિટનો સમય લાગે,પરંતુ અત્યંત બિસ્માર માર્ગને કારણે હાલમાં વાહન ચાલકોએ લગભગ કલાક સમયનો વેડફાટ કરીને જોખમી રીતે માર્ગ પરથી પસાર થઇ રહ્યા છે.જ્યારે ઝઘડિયાથી રાજપારડી અને ઉમલ્લા સુધીનો પણ રસ્તો બિસ્માર હોવાનું જાણવા મળ્યું છે.
Advertisment
હાલમાં આ SOU માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે પરંતુ મંથર ગતિએ ચાલતી કામગીરીને પગલે વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.માર્ગ પર પડેલા ખાડા અને ધૂળની ઉડતી રજકણોથી વાહન ચાલકો ખુબ જ ત્રાસદાયક રીતે આ માર્ગ પરથી પસાર થઇ રહ્યા છે.અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે SOU માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ વાહન ચાલકો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભરૂચ અને અંકલેશ્વરથી SOUને જોડતો આ માર્ગ માત્ર વર્તમાન સમયમાં જ નહીં પરંતુ દર વર્ષે માર્ગ વરસાદની મોસમમાં ખખડધજ બની જાય છે,ત્યારે હવે આ માર્ગ માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરીને માર્ગ ટકાઉ અને મજબૂત બનાવવામાં આવે તેવી માંગ પણ વાહન ચાલકો કરી રહ્યા છે. 
Latest Stories