/connect-gujarat/media/media_files/2025/07/06/car-faal-into-river-2025-07-06-17-04-57.jpeg)
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ઈકો કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા નર્મદા નદીના કિનારે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકાના જુના તવરા ગામે સત્યનારાયણ ભગવાનના મંદિર નજીક મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી ઈકો કાર નં.GJ-06-PC-3184ના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર નિયંત્રણ બહાર જતાં સીધી નર્મદા નદીના કિનારે ઉતરી ગઈ હતી.
બનાવની જાણ થતાં જ તવરા ગામના સરપંચ જાગૃતિ પરમાર તેમજ વોર્ડના સભ્ય સહિત ગામલોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ક્રેનની મદદથી ઈકો કારને નદી કિનારેથી બહાર કાઢવામાં આવી હતી. આ દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈકો કાર ચાલક જંબુસર તાલુકાના નાડા ગામના રહેવાસી છે. તેઓ તવરા ગામ ખાતે રહેતા સંબંધીને મળવા માટે આવ્યા હતા, ત્યારે આ ઘટના સર્જાય હોવાનું જાણવા મળ્યું છે.