New Update
/connect-gujarat/media/media_files/2025/02/07/jwOnVYJ2vKwcKTuHeVb4.jpg)
સાયબર માફિયાઓની મોહજાળમાં ફસાઈ અંકલેશ્વરના ગ્રૂપ મેનેજર અને ભરૂચના સુપરવાઇઝરે રૂપિયા એક કરોડ 69 લાખથી હાથ ધોવાનો વારો આવ્યો છે.
અંકલેશ્વર GIDC ના સંસ્કૃતિ કોટેઝમાં રહેતા હાર્દિક પટેલ નોઈડાની કંપનીમાં ગ્રૂપ મેનેજર છે. તેઓને વોટ્સએપ પર સ્ટોક ટ્રેડિંગનું ગ્રૂપ અને વેબ પોર્ટલ મળતા તેમાં સારા વળતરની ઓફર કરાઈ હતી. રોકાણ શરૂ કરતાં તેમને મળતું આકર્ષક વળતર પણ બતાવવામાં આવતું હતું.
જેને લઈ આ યુવાને ભેજાબાજોએ ઉભા કરેલા 14 એકાઉન્ટમાં એક કરોડ 36 લાખનું રોકાણ કરી દીધું હતું. જેમાંથી માત્ર અમુક લાખ પરત પણ અપાયા હતા. જોકે જ્યારે તેઓ પોતાની તમામ રકમ ઉપાડવા જતા ભેજબાજોએ અસલ ખેલ શરૂ કરી દીધો હતો. અંતે રૂપિયા 1 કરોડ 28 લાખ ડૂબતા ગ્રૂપ મેનેજરને પોતે સાયબર ક્રાઇમનો શિકાર થયાનું ભાન થયું હતું.
ભરૂચની બીજી ઘટનામાં ખત્રીવાડમાં રહેતા સુપરવાઇઝર જીગર કલગીવાલાને ટેલીગ્રામ પર કરીનાનો ભેટો થયો હતો. જેને ઘર બેઠા કમાવવાની સ્કીમ આપી યુવાનને રોકાણ કરાવ્યું હતું. જેની સામે અમુક વળતર દેખાડી 20 જેટલા બેંક એકાઉન્ટમાં 41.44 લાખ જમા કરાવી દેવડાવી અંતે હાથ અધ્ધર કરી દીધા હતા. બન્ને યુવાનોએ ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.