જોખમી જર્જરિત જૂની કોર્ટ બિલ્ડીંગ
મિશ્ર શાળામાં અભ્યાસ કરે છે બાળકો
દીવાલ,છતમાંથી પ્લાસ્ટર ઉખડીને પડે છે
તંત્રમાં રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય
વહેલી તકે બિલ્ડીંગ ઉતારી લેવા ઉઠી માંગ
ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં આવેલી કોર્ટ બિલ્ડીંગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે. તંત્રની બેદરકારીના કારણે આ બિલ્ડીંગ જાણે દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે. મામલતદાર કચેરી સામે આવેલી આ બહુમાળી બિલ્ડીંગના દીવાલો અને છતમાંથી પ્લાસ્ટર ધસી પડવાની ઘટનાઓ સતત બનતી રહે છે. તિલક મેદાન નજીક આવેલી “રંગોત્સવ” બિલ્ડીંગની હાલત પણ એવી જ જોવા મળે છે.
કેટલાક મહિના પહેલા અહીં ક્રિકેટ રમતા એક યુવાનના માથા પર છતનો ભાગ તૂટી પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. છતાં પણ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ સાવચેતના પગલાં લેવાયા નથી.
આમોદ નગરના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ જૂની અને તૂટી પડવાની કગાર પર આવેલી બિલ્ડીંગો છે. છેલ્લા દોઢ થી બે વર્ષથી સ્થાનિક નાગરિકો તેમજ શાળાના આચાર્યોએ નગરપાલિકા, મામલતદાર કચેરી અને શિક્ષણ વિકાસ અધિકારીને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
વિશેષ ચિંતાની વાત એ છે કે કોર્ટ બિલ્ડીંગની બાજુમાં જ એક મિશ્ર શાળા આવેલી છે, જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે. જો આ બિલ્ડીંગનો કોઈ ભાગ અચાનક ધરાશાયી થાય, તો મોટી જાનહાની થવાની પૂરી શક્યતા છે.સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક આ જર્જરિત બિલ્ડીંગોને ઉતારી લે અથવા સુરક્ષિત બનાવે. નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના બનશે, તો તેની જવાબદારી કોણ લેશે.?