ચાવજમાં વડોદરાના શિક્ષકની જમીન વેચવાનો મામલો
જમીન પર સફાઈ કામ શરૂ થતાં ફૂટ્યો હતો સમગ્ર ભાંડો
ખોટા દસ્તાવેજ બનાવી રૂ. 92 લાખમાં વેચી હતી જમીન
એ ડિવિઝન પોલીસે છેતરપિંડી અંગે ગુન્હો દાખલ કર્યો
શિક્ષક સાથે છેતરપિંડી કરનાર પિતા અને પુત્રની ધરપકડ
ભરૂચ જિલ્લાના ચાવજ ગામમાં વડોદરાના શિક્ષકની જમીન રૂ. 92 લાખમાં વેચી દેવાના મામલે એ’ ડિવિઝન પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ છે, જ્યારે ગાંધીનગરના અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર,વડોદરાના ખોડીયાર નગર ખાતે રહેતા અખિલેશ રામ પ્રકાશ શર્મા અલકાપુરાના આઇઆઇટી આશ્રમ ખાતે શિક્ષક તરીકેની નોકરી કરતા હતા. તેઓ વર્ષ 2006થી 2016 સુધી ભરૂચ જિલ્લામાં પરિવાર સાથે રહેતા હતા, અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા. તેમને પ્રાઇમરિ સ્કૂલ ખોલવાની ઈચ્છા હોય, જેથી 2010માં છાયાબેન ગુણવંતરાય બારડીયા અને અજય ગુણવંતરાય બારડીયા પાસેથી રૂ. 1.75 લાખમાં પ્લોટ ખરીદ્યો હતો.
જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો. જે બાદ તેઓ વડોદરા રહેવા જતા રહ્યા હતા. આ દરમિયાન તેમના પ્લોટ પાસે રહેતા મિત્ર સંજયએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા પ્લોટ પર સાફ-સફાઈ કરવામાં માટે જેસીબી ચાલે છે. જેથી તેઓ તુરંત ભરૂચ આવી ચાવજ પ્લોટ ખાતે પહોંચ્યા હતા, અને જેસીબીના ડ્રાઇવર થકી તેમને માલુમ પડ્યું હતું કે, યોગી ટાઉનશિપ ખાતે રહેતા કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરો તે કામ કરાવી રહ્યા છે.
તેમની મુલાકાત કરતા જાણવા મળ્યું હતું કે, તેમણે પ્રજ્ઞાબેન વાસુદેવ લોટવાળા પાસેથી જે તે સમયે નબીપુર અને હાલમાં રહાડપોર ખાતે રહેતા અયુબ અલી પટેલ અને તેમના પુત્ર આમિરના નામના બ્રોકરની મદદથી જમીનની ખરીદી કરી હતી. બાજુમાં આવેલા અખિલેશ શર્માના પ્લોટ પર જોઈતા હોય, જેથી અયુબ અને તેના પુત્ર આમિરએ તેમને તે આપવાના બહાને તેમની પાસેથી 20 લાખ રૂપિયા ટોકન લીધા હતા.
જે બાદ અયુબએ વર્ષ 2023માં સાતેક મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના ચાવજના પ્લોટના વેચાણની વાત કરી હતી. જોકે, તેમણે પ્લોટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. આખરે અયુબ અને તેના પુત્ર આમીરે ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશી નામના વ્યક્તિનો સંપર્ક કરી અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટના આધારે રજીસ્ટરમાં દસ્તાવેજ કરી કિરણ અને તેમના પાર્ટનરો પાસેથી રૂ. 92 લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું.
જેના પગલે તેમણે ભરૂચ એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ કરી 3 દિવસના રિમાન્ડ મેળવી બોગસ ડોક્યુમેન્ટ ક્યાં બનાવ્યા તે સહિતની માહિતી મેળવી અન્ય આરોપી અક્ષય જોશીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.