ભરૂચ શહેરના નર્મદા ચોકડી નજીક મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા દિવસોથી સિગ્નલ લાઇટનો પોલ તૂટીને માર્ગ પર જોખમી રીતે પડ્યો છે, ત્યારે આ બિસ્માર પોલનું વહેલી તંત્ર દ્વારા તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.
ભરૂચ શહેર થતાં જીલ્લામાં ટ્રાફિક નિયમનું પાલન તેમજ લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો અવારનવાર હાથ ધરવામાં આવતા હોય છે. પરંતુ ક્યાક વહીવટી તંત્ર પોતાની કાર્યક્ષમતાઓ ભૂલી જતું હોય તેવી ઘટનાનો પ્રકાશમાં આવતી રહે છે, ત્યારે આવી જ એક ઘટના ભરૂચના નર્મદા ચોકડી નજીક મુખ્ય માર્ગ પરથી સામે આવી છે.
છેલ્લા ઘણા દિવસોથી એક સિગ્નલ લાઇટનો પોલ તૂટીને માર્ગ પર જોખમી રીતે પડ્યો છે. આ માર્ગ ઉપરથી વહીવટી તંત્ર સહિત સેંકડો વાહનો પસાર થાય છે. તેમ છતાં સામાન્ય લાગતી પરંતુ જોખમકારક આ ઘટના કેમ કોઈના ધ્યાન પર આવતી નથી..!
જાણવા મળ્યા મુજબ, કેટલાક જાગૃત વાહનચાલકોએ આ અંગે નજીકમાં જ આવેલા પોલીસ પોઈન્ટ પર જાણ કરી છે. તેમ છતાં કોઈ અકસ્માતની રાહ જોવામાં આવી રહી હોય, તેમ લાગી રહ્યું છે. વધુમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો આ બિસ્માર પોલ સાથે અથડાયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
ત્યારે પ્રગતિશીલ અને વિકસિત ભરૂચની વાતો કરતાં વહીવટી તંત્રના અધિકારીઓ કે, પ્રજાએ ચૂંટેલા નેતાઓ આ ગંભીર ઘટના અંગે અજાણ છે કે, પછી કોઈ ટકોર કરે ત્યારે ટ્રાફિક સિગ્નલના પોલનું સમારકામ કરવાની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.