ભરૂચ જિલ્લાના પાલેજ ગામ સ્થિત દવાખાના ખાતે નિ:શુલ્ક સુગર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.
આજે તા. 14મી નવેમ્બરને સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ભરૂચના પાલેજ સ્થિત ડૉ. મોહસીન રખડાના દવાખાનામાં નિ:શુલ્ક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આયોજિત કેમ્પમાં ડૉ. મોહસીન રખડા તેમજ અન્ય તબીબે દર્દીઓની ચકાસણી કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. મોહસીન રખડા સાંપ્રત અત્યાધુનિક યુગમાં હ્રદય રોગ સ્ટ્રોકના દરદીઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, એનું એક અગત્યનું કારણ ડાયાબિટીસ માનવામાં આવે છે.
ડૉ. મોહસીન રખડાના મતાનુસાર ભાવિ યુવા પેઢીમાં વધતો જતો ડાયાબિટીસનો રોગ ખૂબ જ પડકારરૂપ છે. મેડિકલ સર્વે અનુસાર આશરે 10 કરોડ જેટલા દર્દીઓ આપણા દેશમાં ડાયાબિટીસથી પીડાય રહ્યા છે, ત્યારે સમયસર સુગર તપાસ અને સારવાર કરવામાં આવે તો આ રોગથી થતા ગંભીર જોખમથી બચી શકાય છે. આ સાથે નિયમિત કસરત, બ્લડ પ્રેશર ચેકઅપ, વજન નિયંત્રણ, આરોગ્ય વર્ધક પૌષ્ટિક ખોરાક અને જીવનશૈલી પણ ખૂબ જ અગત્યની છે.