GIDCમાં જળસંકટના એંધાણ
26 ડિસ્મેબરથી પાણી કાપ
નહેર વિભાગ દ્વારા બંધ કરાશે સપ્લાય
જળસંકટ સામે ઝઝૂમવા ઉદ્યોગો સજ્જ
રહેણાંક વિભાગને આપવામાં આવશે પ્રાધાન્ય
અંકલેશ્વર જીઆઇડીસી રહેણાંક વિસ્તાર અને ઉદ્યોગનગરીમાં પાણી પુરવઠો પહોંચાડતી ઉકાઈ નહેર વિભાગ દ્વારા ડિસ્મેબરથી 35 દિવસ માટે મેન્ટેનન્સની કામગીરીને પગલે પાણી કાપનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ જળસંકટ સામે ઝઝૂમવા ઉદ્યોગજગત સજ્જ થઈ ગયું છે.
અંકલેશ્વર જીઆઇડીસી રહેણાંક વિસ્તાર અને ઉદ્યોગનગરીને પાણીનો પુરવઠો પુરૂ પાડતી ઉકાઈ જમણા કાંઠાની નહેર વિભાગ દ્વારા 26 ડિસેમ્બરથી 35 દિવસ માટે પાણી સપ્લાય પર કાપ મુકવામાં આવનાર છે. નહેર વિભાગ આ સમય દરમિયાન કેનલમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે.જોકે આ સમય દરમિયાન જીઆઇડીસી રહેણાંક અને ઉદ્યોગનગરીમાં જળસંકટના એંધાણ વર્તાય રહ્યા છે.જોકે બીજી તરફ ઉદ્યોગોને મળતા પાણી પુરવઠામાં કાપ મુકીને રહેણાંક વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા સંચાલિત રિઝર્વ તળાવમાંથી મળતો પાણી પુરવઠા પર કાપ મુક્યા બાદ પાણીનો વધુ પુરવઠો ઝઘડીયા જીઆઇડીસી પાસેથી મેળવવામાં આવશે,જેના કારણે રહેણાંક વિસ્તારમાં પાણીની વધુ ખેંચ ન પડે તેના પર તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી તરફ ઉદ્યોગો દ્વારા ખાનગી ટેન્કર દ્વારા તેમજ સ્ટોરેજના આધારે પાણીની ખેંચને પહોંચી વળવા માટે પ્રયત્નો કરવામાં આવશે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ,નોટિફાઇડ એરિયા ઓથોરીટી તેમજ જીઆઇડીસી દ્વારા જીઆઈડીસીના વિસ્તારને નર્મદાના પાણી મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા,જે અંગે પણ વહેલી તકે મંજૂરી મળીને પાણીનો પુરવઠો મળતો થાય તે માટેની ઈચ્છા પણ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.અને આ પ્રસંગે પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો પણ આ તબક્કે ઉદ્યોગસાહસિક મહેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.