-
સારોદ ગામમાં તંત્રની મોટી કાર્યવાહી
-
510 એકર જમીનમાંથી દબાણો દૂર કરાયા
-
ગૌચરની જમીનમાં કરવામાં આવતી હતી ખેતી
-
27 લોકોએ કર્યું હતું જમીનમાં દબાણ
-
તંત્રની કાર્યવાહીને પગલે દબાણ કરતા લોકોમાં ફફડાટ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સરોદ ગામમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી,જેમાં સરકારી ગૌચરની જમીનમાં ખેતી કરવામાં આવતી હતી,જે દબાણને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે ભાઠા વિસ્તારમાં આવેલ 510 એકર ગૌચર જમીન પર ગેરકાયદેસર કબજો કરી લેનારા 27 પરિવારોને તંત્રએ હટાવી સરકારી જમીન ખુલ્લી કરી છે.510 એકર જમીન ઉપરના ઉભા પાક ઉપર ટ્રેક્ટર ફેરવી પાક દૂર કરી દેવામાં આવ્યો હતો.આગામી દિવસોમાં તાલુકામાં દરેક ગામમાં ગૌચર ખુલ્લા કરવામાં આવશે તેમ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.
સારોદ ગામના ભાઠામાં 544 એકર ગૌચર જમીન આવેલ છે.110,939 અને940 સર્વે નંબરની ગૌચર જમીન પૈકી 510 એકર ગૌચર જમીન ઉપર 27 લોકોએ ગેરકાયદેસર દબાણ કરી ખેતી કરી રહ્યા હતા.તેમણે કપાસ, મગ અને નેપલા જેવા પાકની ખેતી કરી હતી.આ તમામને ગ્રામ પંચાયત તરફથી તથા તાલુકા પંચાયત તરફથી નોટિસ આપવા છતાંય તેઓએ ગૌચરની જમીન ખાલી કરી ન હતી.
મંગળવારે પંચાયત ધારાની કલમ 105 (8) મુજબ તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડની રાહબરી હેઠળ સરપંચ સહિતની ટીમ સારોદ ગામે પહોંચી હતી. ભાઠાની ગૌચર જમીન પૈકી 510 એકર જમીન પરના પાક ઉપર ટ્રેક્ટર ફેરવી દઈ ગૌચર ઉપરનું દબાણ દૂર કરતા સરકારી જમીન ઉપર દબાણ કરનારાઓમાં દોડધામ મચી છે.