-
એબીસી સર્કલ નજીક સર્જાય ગમખ્વાર અકસ્માતની ઘટના
-
ટ્રક ચાલકે મોપેડ સવાર માતા અને પુત્રીને અડફેટમાં લીધા
-
અકસ્માતમાં માતા-પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત
-
બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
-
ફરાર ટ્રક ચાલકની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી
ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીક ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોપેડ સવાર માતા-પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીકથી ફરી એક વખત અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના GIDC વિસ્તારમાં આવેલ દ્વારકેશ પાર્કમાં રહેતા મધુબેન અંકિતભાઈ પટેલ ધોરણ 3માં અભ્યાસ કરતી પુત્રી પ્રિશા અંકિતભાઈ પટેલ સાથે ભરૂચના GNFC ટાઉનશિપ ખાતે ટેનિસની સ્પર્ધા માટે આવ્યા હતા.
જોકે, સ્પર્ધા પૂર્ણ થયા બાદ તેઓ પોતાના મોપેડ નં. GJ-16-DL-7397 ઉપર પરત અંકલેશ્વર તરફ ફરી રહ્યા હતા, ત્યારે ભરૂચના એબીસી સર્કલ નજીક પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે તેઓના મોપેડને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
તો બીજી તરફ, અકસ્માત સર્જ્યા બાદ ટ્રક લઈને ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટનાના પગલે આસપાસના લોકો ટોળે વળ્યા હતા, જ્યારે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે અકસ્માતમાં 2 લોકોને મોતને ઘાટ ઉતારનાર ટ્રક ચાલકની ધરપકડ માટે પોલીસે કવાયત હાથ ધરી છે.