નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
જળસપાટી 136.04 મીટરે પહોંચી
સીઝનમાં પ્રથમવાર 23 દરવાજા ખોલવામાં આવ્યા
વડોદરા,ભરૂચ,નર્મદા જિલ્લાના 27 ગામો એલર્ટ
ઉપરવાસમાંથી ડેમમાં પાણીની આવકમાં નોંધાયો ઘટાડો
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 136.04 મીટર સુધી પહોંચી છે. જોકે ઉપરવાસમાંથી પાણીની આવકમાં આંશિક ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે,જોકે વડોદરા,ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
નર્મદા ડેમની સપાટી 136 .04 મીટર સુધી પહોંચી છે.ઉપરવાસમાંથી 5 લાખ 30 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના સીઝનમાં પ્રથમવાર 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા અને આરબીપીએચ, કેનાલ મારફતે 4 લાખ 46 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશના 3 ડેમમાંથી 5.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે.જેના કારણે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
જોકે સંભવિત પૂરની સ્થિતિ વચ્ચે રાહતરૂપ સમાચાર પણ જાણવા મળી રહ્યા છે.આજરોજ બપોરના સમયથી ઉપરવાસમાંથી નર્મદા ડેમામાં આવતા પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે,જેમાં 40 હજાર ક્યુસેક પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે.હાલમાં ડેમની જળસપાટી 136.04 મીટર નોંધાઈ છે,જ્યારે ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તર 26.83 ફૂટ નોંધાયા છે.જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તકેદારીના ભાગરૂપે જરૂરી પગલા ભરવામાં આવ્યા છે,અને નદી કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.