મર્હુમ અહેમદ પટેલના પુત્રની સોશિયલ મીડિયા પર પોસ્ટ
ફૈઝલ પટેલે પોતાની નવી પાર્ટી બનાવવાની મુકી હતી પોસ્ટ
તેઓએ પોસ્ટ મુકતા કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું
તેઓએ નવી પાર્ટી નહીં બનાવવાનું સત્તાવાર નિવેદન આપ્યું
નવી પાર્ટી બનાવવા સમર્થકોની ઈચ્છા હતી : ફૈઝલ પટેલ
પરંતુ પક્ષનું વિભાજન થવું તે યોગ્ય નથી : ફૈઝલ પટેલ
કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નવી પાર્ટી બનાવવાની સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, તેઓએ હવે નવી પાર્ટી નહીં બનાવવાનો નિર્ણય લીધો હોવાનું સત્તાવાર નિવેદન આપ્યું છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસના વિભાજનની વાત સાથે નવી પાર્ટી બનાવવા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. જોકે, તેમના આ નિવેદનથી કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું હતું. ફૈઝલે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ થઈને “Congress AP” નામની નવી રાજકીય પાર્ટી અંગે વિચાર કરી રહ્યા છે. તેમને લાંબા સમયથી કોંગ્રેસમાં પોતાની કામગીરી છતાં મહત્વ મળતું નથી, અને સંગઠનના કેટલાક નેતાઓ સતત અવગણના કરતા હોવાનું જણાવ્યુ હતું.
ફૈઝલ પટેલે જાહેરપણે પોતાના સમર્થકોને પૂછ્યું છે કે, શું તેમને નવી પાર્ટી બનાવવી જોઈએ કે નહીં. આ મામલે તેમના બહેન મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની રાજકીય સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે, તેમની કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની કે, કોઈ નવી રાજકીય પહેલનો ભાગ બનવાની કોઈ યોજના નથી. તો બીજી તરફ, નવી પાર્ટી બનાવવાની તૈયારી બાદ ફૈઝલ પટેલનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.
તેઓએ જણાવ્યુ હતું કે, નવી પાર્ટી બનાવવા અંગે સમર્થકોની ઈચ્છા હતી. પરંતુ પક્ષનું વિભાજન થવું તે યોગ્ય નથી. માટે હાલ પૂરતો નવી પાર્ટી બનાવવા અંગેનો નિર્ણય મોકૂફ રાખ્યો હોવાનું ફૈઝલ પટેલે જણાવ્યુ હતું. વધુમાં ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ કપાયા બાદ ઘણા કાર્યકરો કોંગ્રેસ છોડી AAP અને BJPમાં જોડાઈ ગયા હતા, તારે હવે મર્હૂમ અહેમદ પટેલના પરિવારના સભ્યો ચૂંટણી લડે તેવું કાર્યકર્તા ઈચ્છે છે. એટલું જ નહીં, કોંગ્રેસ અથવા અપક્ષ ચૂંટણી લડવા માટે સમર્થકોના અભિપ્રાય મળ્યા હોવાની પણ ફૈઝલ પટેલે વાત કરી હતી.