New Update
ભરૂચ નગર સેવા સદનની કચેરીમાં અંધારપટ
વિજળી ડુલ થતા અરજદારો અટવાયા
જનરેટર શોભાના ગાંઠીયા સમાન
તંત્રની ઢીલી નીતિના વિપક્ષ કોંગ્રેસના આક્ષેપ
જનરેટર ચાલુ કરાવવા માંગ
ભરૂચ નગરપાલિકામાં વીજળી ડૂલ થતાં અરજદારોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.નગરપાલિકામાં જનરેટ મુકવામાં આવ્યું છે પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે તે કાર્યરત ન હોવાના વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યા છે.
ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. આજરોજ સવારથી નગરપાલિકામાં વીજ પુરવઠો બંધ થતાં તમામ કામકાજ ઠપ થઈ ગયા હતાં. પોતાના કામ માટે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નગરપાલિકા હસ્તકના ઓમકારનાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સ્થાપિત કરાયેલ જનરેટર આઠ મહિના અગાઉ પાલિકામાં મૂકવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી વહીવટી મંજૂરી ન મળતા તે માત્ર શોભાના ગાંઠીયા સમાન બનીને રહ્યું છે.
વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક જનરેટરની તપાસ કરી હતી અને નવા વાયરિંગ માટે ટેન્ડરિંગની ફાઇલ આગળ ધપાવવાની માંગ કરી હતી. તેમનો આરોપ છે કે જીઇબી વારંવાર સટડાઉન કરી વીજ પુરવઠો બંધ કરે છે છતાં નગરપાલિકા પોતાનું જનરેટર કાર્યક્ષમ કરવા માટે પગલાં લેતી નથી અને તેનો ભોગ અરજદારોએ બનવું પડે છે.
આ બાબતે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નગરપાલિકા માટે જનરેટર મૂકવામાં આવ્યું છે અને સામાન્ય સભામાં તેના ટેન્ડરિંગ અને ખર્ચ બાબતે ચર્ચા પણ થઈ ચૂકી છે હાલમાં કાર્યવાહી ચાલુ છે જે વહેલી તકે પૂર્ણ કરી જનરેટરને કાર્યરત કરવામાં આવશે.
Latest Stories