ભરૂચ: ઝારખંડથી સગીર પ્રેમી સાથે ભાગેલી યુવતીનું સખી વનસ્ટોપ સેન્ટરની ટીમે પરિવારજનો સાથે કરાવ્યું મિલન

યુવતીના માતા-પિતાને જાણ કરવામાં આવતા માતા અને પિતા તાત્કાલિક ઝારખંડથી  ભરૂચ આવી પહોંચ્યા હતા.જ્યાં પોતાની પુત્રીને સલામત જોતા જ ખુશીના આંસુ છલકાઈ ગયા

New Update
  • ઝરખંડથી સગીર પ્રેમી સાથે ભાગી યુવતી ભરૂચ આવી

  • સખી વનસ્ટોપની ટીમે પરિવારજનો સાથે કરાવ્યું મિલન

  • ભરૂચ રેલવે સ્ટેશન પરથી મળી હતી યુવતી

  • સખી વનસ્ટોપની ટીમે પરિવારજનોનો કર્યો સંપર્ક

  • લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા

ભરૂચની સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે ઝારખંડથી સગીર પ્રેમી સાથે ભાગીને ભરૂચ પહોંચેલી યુવતીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. ઝારખંડની યુવતીને 6 મહિના પહેલા સોશ્યલ મીડિયા મારફતે મુસ્લીમ સગીર સાથે મિત્રતા કેળવાઈ હતી. એક બીજા સાથે ચેટિંગ અને મોબાઈલથી થતી વાતચીત બાદ આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. પરંતુ બંનેના પરિવારો આ સંબંધ રાખવા નહી માનતા હોય બંનેએ ઘર છોડી સાથે રહેવાનું નક્કી કર્યું હતું.
જેમાં યુવતીએ માતા પાસેથી પોતાની કોલેજની ફી ભરવાના 1500 રૂપિયા અને સગીરે તેની માતા પાસેથી જેકેટ લેવાના 1000 રૂપિયા લઈને બંને 2500 રૂપિયા સાથે કોઈને કહ્યા વગર 11મી ડિસેમ્બરના રોજ ટ્રેનમાં બેસીને અંકલેશ્વર પહોંચ્યા હતાં. જ્યાં બંનેએ રહેવા માટે મકાન પણ ભાડે શોધી કાઢ્યું હતુ પરંતુ મકાન માલિકે તેમના આઇડી માંગતા તેઓ ભાગીને આવ્યા હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેણે તેમને મકાન ભાડે આપ્યું ન હતું ત્યાર બાદ તેઓ ભરૂચ રેલ્વે સ્ટેશન પર હાજર હોય બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા યુવતી ગોલ્ડન બ્રિજ પર જવા નીકળી હતી. તે સમયે ત્યાં ફરજ પર હાજર આરપીએફના પોલીસ જવાને તેમને અટકાવી પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. 
પોલીસે 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા યુવતીને સખીવન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપી હતી.જ્યાં સખીવન સ્ટોપ સેન્ટરના સંચાલક વૈશાલી ચાવડા અને તેમની ટીમે યુવતીનું કાઉન્સિલિંગ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી તેના માતાનો મોબાઈલ નંબર આપતા ટીમે તેની માતાનો સંપર્ક કરી તેમની પુત્રી અહીં સલામત હોય તેને લેવા આવવા માટે જણાવ્યું હતું.જેથી માતા અને પિતા તાત્કાલિક ઝારખંડથી  ભરૂચ આવી પહોંચ્યા હતા.જ્યાં પોતાની પુત્રીને સલામત જોતા જ ખુશીના આંસુ છલકાઈ ગયા હતા.તેમણે સખીવન સ્ટોપ સેન્ટર અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
Latest Stories