/connect-gujarat/media/media_files/2025/09/05/amod-2025-09-05-16-55-04.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મહંમદ મુસ્તફા સલલ્લાહુ અલૈહિ વસલ્લમના 1500મા જન્મદિવસની ઉજવણી ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મહંમદ મુસ્તફા સલલ્લાહુ અલૈહિ વસલ્લમના 1500મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આમોદની જુમ્મા મસ્જિદ ખાતે નગરજનોને હજરત મહંમદ પયગંબર સાહેબના બાલ મુબારકના દીદાર કરાવ્યા હતા. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ઉત્તર પ્રદેશના કિચ્છોછા શરીફથી આવતા હઝરત પીર સૈયદ અબુબકર સીબ્લીમ્યા કિબ્લા જુલુસમાં જોડાયા હતા. તેમની આગેવાની હેઠળ હજારો લોકોની ખૂબ મોટી સંખ્યામાં નગરજનો પગપાળા જુલુસમાં સામેલ થયા હતા.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/05/hazrat-muhammad-2025-09-05-16-55-25.png)
જુમ્મા મસ્જિદથી શરૂ થયેલ આ જુલુસ મુખ્ય બજાર માર્ગ થઈ આમોદ ચાર રસ્તા સુધી પહોંચ્યો હતો. આ અવસર પર પીર સાહેબે દેશની એકતા, ભાઈચારો, અમન અને ચેન માટે દુઆ કરી હતી. તેમજ હાલમાં અનેક વિસ્તારોમાં આવેલ પાણીના પ્રકોપથી પીડિતોને યાદ કરીને તેમના માટે ખાસ દુઆ કરવામાં આવી હતી.
જુલુસ દરમિયાન “સારે જહાં સે અચ્છા હિંદુસ્તાન હમારા”ના નાદથી સમગ્ર આમોદ નગર ગુંજી ઉઠ્યું હતું. નગરના ઠેર-ઠેર જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ લોકોએ મીઠાઈ, શરબત, આઈસ્ક્રીમ અને ફળોનું વિતરણ કરીને ઉજવણીની ખુશી વહેંચી હતી. તો બીજી તરફ, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.