/connect-gujarat/media/media_files/2025/02/23/K7kEVSgofqH1L7XqDxeP.png)
ભરૂચ શહેરના બંબાખાના વિસ્તાર સ્થિત અંબેમાતા વિદ્યાલય ખાતે સમસ્ત ખારવા-હાંસોટી-માછી સમાજના 5મા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા હતા.
ભરૂચ જિલ્લા સમસ્ત ખારવા-હાંસોટી-માછી સમાજના અગ્રણીઓએ વર્ષ 2018થી સમૂહ લગ્નની શરૂઆત કરી હતી. ત્યારબાદ વર્ષ 2019, 2020 અને 2023માં સફળ સમૂહ લગ્નો યોજાયા હતા, ત્યારે આ વર્ષે પણ ભાડભૂતથી ઝનોર સુધીના નદી કિનારે વસતા ખારવા-હાંસોટી-માછી સમાજના નવયુગલો માટે આ વિશેષ પ્રસંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના બંબાખાના વિસ્તાર સ્થિત અંબેમાતા વિદ્યાલય ખાતે સમસ્ત ખારવા-હાંસોટી-માછી સમાજના 5મા સમૂહ લગ્નોત્સવમાં 18 જેટલા નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા હતા. 18 વરરાજાઓની વરયાત્રાએ બંબાખાના વિસ્તારમાં અનેરો માહોલ સર્જ્યો હતો. આમંત્રિત મહેમાનો અને યુગલોના સગા-સંબંધીઓ માટે સુચારું ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.
સમાજના દાતાઓએ નવદંપતીઓને ભેટ-સોગાદો અર્પણ કર્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં દરેક યુગલ માટે અલગ મ્હાયરું, ચોળી અને સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જંબુસરના ડી.કે.સ્વામી, સંત સ્વામી લોકેશાનંદજી મહારાજ, શારદાપીઠ મઠના મઠાધીશ મુક્તાનંદજી, સ્વયં સાંઈરામ ગુરૂજીએ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.