ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેરસમ ગામ નજીકથી ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લામાં આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બેરોજગારી, ધંધામાં મંડી, વ્યાજે લીધેલા રૂપિયા, ઘર કંકાસ સહીત લોનના ભરડામાં ફસાયેલા લોકો જીવનલીલા સંકેલી મોતને વ્હાલું કરતા હોવાના અનેકો કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે, ત્યારે આપઘાતનો વધુ એક કિસ્સો વાગરા તાલુકામાંથી સામે આવ્યો છે. બનાવ અંગે પ્રાપ્ત થતી માહીતી મુજબ ભેરસમ ગામની સીમમાં લીમડાના ઝાડ ઉપર એક ઇસમનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો.
જેની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. બનાવની જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ આવી પહોંચી મૃતદેહને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી બાદ મૃદેહને એમ્બ્યુલન્સ મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો. મરણજનાર ઇસમ ભેરસમ ગામનો ખોડાભાઇ ધુરાભાઈ રાઠોડ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જોકે, યુવકે કયા કારણોસર આપઘાત કર્યો છે, તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે.