નેશનલ હાઇવે પર સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો
સુરત તરફના ટ્રેક પર વાહનોની કતાર જોવા મળી
બિસ્માર માર્ગના કારણે સર્જાતો ભારે ટ્રાફિકજામ
વાહનચાલકોને આવ્યો હાલાકીઓ વેઠવાનો વારો
ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માંગ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં. 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો.
ભરૂચ જીલ્લામાં વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઇવે નં. 48 પર અંકલેશ્વર નજીક ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં રાજપીપળા ચોકડી અને વાલિયા ચોકડી બ્રિજ ઉપર ફરી એકવાર ટ્રાફિકજામ સર્જાયો હતો. અહી માર્ગ પર પડેલા મસમોટા ખાડાના કારણે વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાય છે. તો બીજી તરફ, સતત સર્જાતો ટ્રાફિકજામ ટ્રાન્સપોર્ટરો અને વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે.
કેટલાક વાહનચાલકોને કમાણી કરતા ઇંધણનો વધુ વપરાશ થતાં તેઓના બજેટ ઉપર પણ માર પડ્યો છે. ભરૂચથી સુરત તરફ જતાં માર્ગ પર થયેલા ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. અંકલેશ્વર નજીક વારંવાર થતાં ટ્રાફિકજામના કારણે વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવે છે, ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી વાહનચાલકોની માંગ છે.