-
પાલિકા કર્મચારીનું ફરજ દરમિયાન નીપજ્યું હતું મોત
-
27 વર્ષથી રોજમદાર તરીકે ફરજ નિભાવતા હતા
-
પરિવારને આર્થિક સહાય ચૂકવવા ઉઠી માંગ
-
આદિવાસી સમાજ દ્વારા પાલિકા તંત્રને કરાઈ રજૂઆત
-
પાલિકા પ્રમુખે આપ્યો સકારાત્મક પ્રત્યુત્તર
ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ દરમિયાન મોત નીપજ્યું હતું,જે ઘટનામાં આદિવાસી સમાજ દ્વારા મૃતકના પરિવારને સહાય આપવા માટેની માંગ કરવામાં આવી હતી.
ભરૂચ નગરપાલિકાના રોજમદાર કર્મચારીનું ફરજ પર મોત થતાં આદિવાસી સમાજ દ્વારા પરિવારને સહાય માટેની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.નગરપાલિકાના વોટર વર્કસના રોજમદાર કર્મચારી શંભુ વસાવા ત્રણ દિવસ પૂર્વે સોનેરી મહેલ પાણીની ટાંકી ખાતે ફરજ પર હતા.ત્યાં તેઓની તબિયત બગડતા તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
જ્યાં તેઓને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.શંભુ વસાવા છેલ્લા 27 વર્ષથી રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા.તેઓને સારવાર માટે લઇ જવામાં આવતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.જોકે તે બાદ તેમના પરિવારને સાંત્વના પાઠવવા કે સહાય માટે કોઈ પણ નહિ ફરકતા આદિવાસી સમાજમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે.
મૃતકના પુત્ર રાહુલે તેના પિતાએ અકસ્માત બાદ બ્રેઈન હેમરેજ હોવા અંગે રજૂઆત કરી હતી,પણ તેમની બદલી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરી પરિવારની કોઈ ખબર પણ પૂછવામાં આવી ન હોવાનું કહ્યું હતું.જેના પગલે પાલિકા સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા સહિત અન્ય અગ્રણીઓ તેમજ આદિવાસી સમાજના લોકો મૃતકના પુત્ર અને પરિવાર સાથે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા.
જોકે પ્રમુખ,ચીફ ઓફિસર કે અન્ય હોદ્દેદારો ન મળતા આ અંગે સેક્રેટરીને રજૂઆત કરવા સાથે પાલિકા પ્રમુખને ટેલીફોનીક રજૂઆત કરી પરિવારને સહાય માટેની માંગણી અને લાગણી દર્શાવી હતી.જેના સકારાત્મક પ્રત્યુત્તર પ્રમુખ દ્વારા આપવામાં આવ્યો હોવાનું હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું.