શહેર તથા જિલ્લામાં અવિરત વરસતો વરસાદ
વરસાદના પગલે રોડ-રસ્તા પર મસમોટા ખાડા
એબીસી ચોકડી નજીક માર્ગ પર ટ્રક પલટી મારી
વ્હોરવાડમાં મકાનની દીવાલ અચાનક ધરાશાયી
પાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા
ભરૂચ શહેરમાં અવિરત વરસાદના પગલે બિસ્માર રોડ-રસ્તા પરના મસમોટા ખાડાના કારણે એબીસી ચોકડી નજીક માર્ગ પર ખાડામાં માલવાહક ટ્રક પલટી મારી ગઈ હતી. તો બીજી તરફ, વ્હોરવાડ વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં પાલિકાના ફાયર ફાઇટરો દોડ્યા હતા.
ગુજરાત રાજ્યમાં રવિવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર તથા જીલ્લામાં પણ અવિરત વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. આ સાથે જ રોડ-રસ્તા પરના મસમોટા ખાડના પગલે અનેક વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
તેવામાં ભરૂચ શહેરની એબીસી ચોકડી નજીક માર્ગ પર પડેલા મોટા મોટા ખાડાના કારણે માલવાહક ટ્રક પછડાતા અચાનક પલટી મારી ગઈ હતી. તો બીજી તરફ, અન્ય એક ટ્રકની એક તરફની કમાન તૂટતા ટ્રક નમી પડી હતી. આ તરફ, ટ્રક પલટી મારી જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.
ભરૂચ શહેર તથા જીલ્લામાં અવિરત વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે ભરૂચની દલાલ સ્કૂલ નજીક વ્હોરવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. વ્હોરવાડ વિસ્તારમાં આવેલ એક જુના મકાનની એક બાજુની દીવાલ ધરાશાયી થઈ તૂટી પડતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં મકાનની દીવાલનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નહીં સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.