વાલીયા તાલુકાની આશા વર્કર-ફેસીલીટર બહેનોને હાલાકી
આશા વર્કર-ફેસીલીટર બહેનો 24 કલાક નિભાવે છે ફરજ
મોંઘવારીના સમયમાં આશા વર્કરોને ઘર ચલાવવું મુશ્કેલ
કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરાય
સરકારી કર્મચારી તરીકે નિમણૂક-વેતનમાં વધારો કરવા માંગ
ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના તમામ આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનોની નિમણૂક કરવામાં આવી છે, ત્યારથી લઇને અત્યાર સુધી અનેક રોગ, માતા તથા બાળકને લગતી તમામ પ્રકારની સેવા આશા વર્કર તેમજ આશા ફેસીલેટર બહેનો દ્વારા આપવામાં આવે છે.
જેમાં સગર્ભા સ્ત્રીની 9 મહિના સુધી સંભાળ લેવી, ઝીરોથી 5ચ વર્ષ સુધીના બાળકોની સંભાળ લેવી. માતા તથા બાળકોને રસીકરણ અપાવવું, સ્ત્રી તથા પુરુષોને કુટુંબ નિયોજનનો લાભ અપાવવો, મલેરિયા, ટીબી, ડેન્ગ્યુ, એઇડ્સ, કેન્સર, રક્તપિત તથા નાના-મોટા તમામ રોગની સેવા આપવી, વિકલાંગ બાળકો તથા વૃદ્ધોની સંભાળ લેવી, આયુષ્માન કાર્ડનો લાભ ગ્રામજનો સુધી પહોંચાડવો તેમજ સરકાર દ્વારા જે કોઈપણ યોજનાનું અમલીકરણ થાય તેને ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનો દ્વારા કરવામાં આવે છે, ત્યારે આશા વર્કર તેમજ આશા ફેસીલેટર બહેનો 24 કલાક દરમિયાન પોતાની ફરજ નિભાવતા હોય છે. તેવામાં તમામ પ્રકારના સેવાકાર્ય માટે તેઓને માસિક વેતન વાઉચર પદ્ધતિ દ્વારા માત્ર 2 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે.
તો બીજી તરફ, હાલના સમયમાં મોંઘવારી ખૂબ ઉચ્ચ પ્રમાણમાં હોય જેના લીધે તમામ આશા વર્કર બહેનોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના તમામ આશા વર્કર તથા આશા ફેસીલીટર બહેનોને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.