New Update
ભરૂચ જિલ્લામાં પ્રદુષણે માઝા મૂકી
ઔદ્યોગિક વિસ્તારના કારણે પ્રદુષણમાં વધારો
શિયાળાની શરૂઆતથી જ હવાની ગુણવત્તા ઘટી
ભરૂચ અંકલેશ્વરના AQIમાં વધારો
જીપીસીબીએ ઉદ્યોગોને આપી સૂચના
રાજધાની દિલ્હીની જેમ ઉદ્યોગોથી ધમધમતા ભરૂચ જિલ્લામાં પણ શિયાળાના પ્રારંભથી જ હવા પ્રદુષણમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ભરૂચ અને અંકલેશ્વર સહિત અનેક વિસ્તારોના AQIમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર સામે હવાની ગુણવત્તા સુધારવા યોગ્ય પગલા લેવાનો મોટો પડકાર છે.
ઔદ્યોગિક રીતે હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં શિયાળો જાણે આફત લઈને આવે છે કારણ કે શિયાળાની શરૂઆત સાથે જ હવાની ગુણવત્તામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મોટા ઔદ્યોગિક વિસ્તારના પગલે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. રાજધાની દિલ્હીની જેમ જ ભરૂચ અને અંકલેશ્વરમાં પણ AQI લેવલમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
હવા પ્રદુષણ વધતા રહીશોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા સહિતની ફરિયાદો ઉઠી રહી છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડીયા, દહેજ અને વાગરા સહિત અનેક વિસ્તારોમાં જીઆઇડીસી આવેલી છે. જીઆઇડીસીના પ્રદૂષણના કારણે આસપાસના ગામોમાં ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે ત્યારે સ્થાનિકો તંત્ર પાસે હવાની ગુણવત્તા સુધરે તેવા પગલાં ભરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે
ભરૂચ, અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા જેવા ઉદ્યોગિક વિસ્તારોમાં AQI વધતા પર્યાવરણ અંગે ચિંતા વધી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ—GPCB દ્વારા જિલ્લામાં રહેતા લોકોને ખાસ તકેદારી રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.GPCB મુજબ, શિયાળામાં ભારે વાયુઓ જમીન નજીક અટવાઈ જતા હોય છે, જેના કારણે પ્રદૂષણનું સ્તર સામાન્ય કરતાં ઊંચું રહે છે ત્યારે જીપીસીબી દ્વારા ઉદ્યોગોને કડક સૂચના આપવામાં આવી છે.
અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા જેવી ઉદ્યોગિક વસાહતોમાં GPCB દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.યુનિટોએ કાયદા મુજબ મશીનરીનું યોગ્ય મેન્ટેનન્સ કરવા,માત્ર મંજૂર ઇંધણનો જ ઉપયોગ કરવા,બોઇલર અને થર્મોપેક સિસ્ટમ સહિતની મશીનરીની યોગ્ય ચકાસણી કરવી સહિતની સૂચના આપવામાં આવી છે
આ તરફ અંકલેશ્વરની મુલાકાતે આવેલા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિમ માળીનું પ્રદુષણ અંગે આશ્ચર્યજનક નિવેદન પણ સામે આવ્યું હતું તેઓએ પ્રદૂષણ અંગેના સવાલ પર જણાવ્યું હતું કે રોડ અને ટ્રાન્સપોર્ટેશનનો AQI પણ સાથે ગણાતો હોય છે માટે માત્ર જીઆઇડીસીના કારણે AQI વધ્યો હોય એવું ન કહી શકાય.
Latest Stories