શુક્લતીર્થમાં કરંટ લાગતા મહિલાનું મોત
ખેતરમાં ઝટકા મશીનથી લાગ્યો કરંટ
મહિલા શાકભાજી લેવા માટે ગઈ હતી
ઈજાગ્રસ્તને સિવિલમાં સારવાર અર્થે ખસેડાય
હોસ્પિટલના તબીબોએ મહિલાને મૃત જાહેર કરી
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ,નવીનગરી, ખપ્પર માના ફળિયા વિસ્તારમાં રહેતા જયેશ દલસુખભાઈ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની માતા મધુબેન દલસુખભાઈ પટેલ ઉ.વ.55 રોજિંદા કામમાં ભરૂચના તુલસીધામ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતા હતા.3જી નવેમ્બરના રોજ સવારે મધુબેન શાકભાજી લેવા માટે પોતાના ગામની સીમમાં આવેલા વૈરવા વગામાં રાજીવકુમાર રામપ્રતાપ મોર્યના ખેતર તરફ ગયેલા હતા.
જયેશ પટેલે સવારે આશરે સાડા આઠ વાગ્યે પોતાની માતાને બાઈક ઉપર ખેતર સુધી છોડ્યા હતા.થોડા સમય બાદ રાજીવકુમાર મોર્યનો ફોન આવી જાણ કરવામાં આવી કે મધુબેનને ખેતરના રોઢા ઉપર લગાવેલી ઝટકા મશીનના તારથી કરંટ લાગ્યો છે.
આ માહિતી મળતા જયેશ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા, જ્યાં મધુબેન જમીન પર બેભાન હાલતમાં પડેલા હતા. ત્યારબાદ ગામના સંજય રતીલાલ પટેલની ઇનોવા કારમાં મધુબેનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરીને તેઓને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે શુકલતીર્થ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી શુકલતીર્થ તેમજ આસપાસના વિસ્તારોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી.