ચોમાસુ શરૂ થતાં જ મચ્છરજન્ય રોગચાળો ફાટ્યો
ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં વધારો
મચ્છરજન્ય રોગચાળાને પહોચી વળવાની કવાયત
રોગચાળા સામે મનપાબુ આરોગ્ય વિભાગ સજ્જ થયું
ઠેર ઠેર સર્વે, દવાનો છંટકાવ અને ફોગીંગ હાથ ધરાયું
ભાવનગર શહેર તથા જીલ્લામાં ચોમાસાની શરૂઆત થતા જ મચ્છરજન્ય રોગમાં પણ વધારો થયો છે. જેમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગ વધુ વકરે નહીં તે માટે આરોગ્ય વિભાગના દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે.
ચોમાસાની સિઝન દરમ્યાન ભેજ અને ભીનું વાતાવરણ થતું હોય છે, ત્યારે ભરાયેલા ખાડા-ખાબોચિયાના પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે. મચ્છરોના કરડવાથી માનવ શરીરમાં ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો વધતા હોય છે, ત્યારે ભાવનગર શહેર તથા જીલ્લામાં ચોમાસાની શરૂઆત થતા જ મચ્છરજન્ય રોગમાં પણ વધારો થયો છે.
જેમાં ડેન્ગ્યુના 11 કેસ, જ્યારે મલેરિયાના 3 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગને પહોચી વળવા માટે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાના અર્બન વિભાગના બાયોલોજીસ્ટ ડો. વિજય કાપડીયાએ જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળા સામે આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી ગઈ છે. જે અંતર્ગત હાલમાં ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી થઈ રહી છે.
અંદાજિત 237 લીંક વર્કર બહેનો ઘરે ઘરે જઈને દવા છાંટવાનું કામ કરી રહી છે. આ સાથે જ પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરમાં વિવિધ જગ્યાએ જ્યાં કાયમી પાણીના સ્ત્રોતો છે, ત્યાં ગપ્પી ફીશ માછલી મુકવામાં આવી છે, જે પોરનાશક માછલી છે. તેમજ જરૂર જણાય તે તમામ વિસ્તારમાં ફોગીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.