Connect Gujarat
ગુજરાત

ભાવનગર : તળાવમાં ન્હાવા પડેલા 2 સગા ભાઈ સહિત 4 કિશોરનું ડૂબી જતાં મોત

ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે સર્જાઈ કરુણાંતિકા, તળાવમાં ન્હાવા પડેલા 4 તરુણોનું ડૂબી જતાં મોત નીપજ્યું.

X

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે રહેતા 4 તરુણો ગામના પાદર નજીક આવેલા તળાવમાં ન્હાવા ગયા હતા, ત્યારે તળાવમાં પાણી ઊંડું હોવાથી ન્હાવા પડેલા ચારેય તરુણો ડૂબવા લાગ્યા હતા. સ્વબચાવની ભારે કોશિશ કરવા છતાં આખરે ચારેય તરુણોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે રહેતા જયેશ કાકડીયા, મોન્ટુ ભેંડા, તરૂણ ખોખર અને મીત ખોખર નામના ચારેય મિત્રો ગામના પાદરે આવેલ તળાવમાં ન્હાવા માટે ગયા હતા. જે તરુણો મોડી સાંજ સુધી પણ ઘરે પરત નહિ ફરતા પરિવારજનોએ તેઓની શોધખોળ હાથ ધરી હતી, ત્યારે શોધખોળ દરમ્યાન તળાવના કાંઠેથી તરુણોના ચપ્પલ, સાયકલ અને કપડાં સહિતની વસ્તુઓ મળી આવતા તરુણો તળાવના પાણીમાં ડૂબી ગયા હોવાની શંકા ઊભી થતાં પરિવારે ગામલોકો અને તરવૈયાની મદદ લઈ તળાવમાં શોધખોળ હાથ ધરી હતી, ત્યારે મોડી રાત્રે ચારેય તરુણોના મૃતદેહ પાણીમાંથી મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.ચારેય તરુણોમાંથી તરૂણ ખોખર અને મીત ખોખર નામના તરુણો બન્ને સગા ભાઈઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.

જોકે, આ તળાવમાં થોડા દિવસો પૂર્વે જ સૌની યોજના અંતર્ગત તળાવ ભરવામાં આવ્યું હતું, ત્યારે ન્હાવા પડેલા આ તરુણોને પાણીની ઊંડાઈનો ખ્યાલ ન રહેતા ચારેય તરુણો પાણીમાં ડૂબી ગયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતાં જ મામલતદાર, ફાયર વિભાગ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યા હતા. પોલીસે ચારેય તરુણોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story