ભાવનગર શહેરના બોરતળાવ કાંઠે કપડાં ધોવાં અને નહાવા માટે આવેલી 5 બાળકીઓ પૈકી 4 બાળકીઓનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.
ભાવનગર શહેરના બોરતળાવમાં સવારના સમયે નજીકના વિસ્તારમાં જ રહેતી 5 બાળાઓ કપડાં ધોવા અને નહાવા માટે ગઈ હતી. જેમાં એક બાળકી પાણીમાં પડી ગયા બાદ ડૂબવા લાગતા તેની સાથે રહેતી અન્ય 4 બાળકીઓ તેને બચાવવા માટે એક બાદ એક પાણીમાં પડી હતી. જે તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મુકી હતી. જેથી સ્થાનિક લોકોના ટોળાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને તમામને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં 9 વર્ષીય રાશિ ચારોલિયા, 12 વર્ષીય કાંજલ જાંબુચા, 13 વર્ષીય કોમલ ચારોલિયા અને 17 વર્ષીય અર્ચના ડાભીને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે 12 વર્ષીય કિંજલ ચારોલિયાની સારવાર ચાલી રહી છે. જે ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ ભાવનગર મનપા કમિશનર અને ભાવનગર જિલ્લા કલેક્ટર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તળાવ કાંઠે કપડાં ધોવા અને નહાવા માટે ગયેલી 4 દીકરીઓના એકસાથે આકસ્મિક મોતથી સમગ્ર પંથકમાં ચકચાર સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.