Connect Gujarat
ગુજરાત

ભાવનગર : રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા બંદોબસ્તની ફાળવણી, ૩૦૦૦ જવાનો રહેશે તૈનાત

આગામી 12 જુલાઈ અષાઢી બીજના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળનાર છે.

X

દેશમાં ત્રીજા નંબરની અને રાજ્યમાં અમદાવાદ બાદ બીજા નંબરની ગણાતી ભાવનગરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી હતી.

આગામી 12 જુલાઈ અષાઢી બીજના રોજ ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળનાર છે. કોરોના મહામારી વચ્ચે મર્યાદિત વાહનો અને લોકોની ઉપસ્થિતિમાં નીકળનારી આ રથયાત્રા 17 કિલોમીટર લાંબા રૂટ પર ફરશે. નિજ મંદિરે પહિન્દ અને છેડાપોરાની વિધિ પૂર્ણ કરી રથયાત્રા તેના નિયત માર્ગ પર નીકળશે. આ માર્ગ પર સવારે 7 થી 1 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. જેથી લોકોને સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમ દ્વારા દર્શનનો લાભ લેવા ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે ભાવનગરના એસ.પી. જયપાલસિંહ રાઠોડની દેખરેખ હેઠળ ભાવનગર પોલીસતંત્ર દ્વારા રથયાત્રા બંદોબસ્તમાં મસમોટો પોલીસ કાફલો તૈનાત રહેશે. નવાપરા પોલીસ અધિક્ષક કચેરી ખાતેથી પોલીસ અધિકારીઓ અને જવાનોને તેમના પોઈન્ટ ફાળવી દેવામાં આવ્યા છે. આશરે 3000 જેટલો પોલીસ કાફલો ખડેપગે તૈનાત રહેશે જેમાં એસપીના માર્ગદર્શન હેઠળ 5 એસઆરપી કંપનીના જવાનો, 16 ડીવાયએસપી, 44 પીઆઈ, 111 પીએસઆઇ, 1600 પોલીસ જવાન, 14 ઘોડેસવાર અને 1700 હોમગાર્ડના જવાનો ખડેપગે રહેશે.

Next Story