ભાવનગર જિલ્લામાં ડુંગળીના થયેલા મબલક ઉત્પાદનને લઈને ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ડુંગળી વેચાણ માટે લઈને આવી રહ્યા છે, ડુંગળીનું ઉત્પાદન થયા બાદ તેની સામે ઓછી જાવકને લઈને માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા શુક્ર-શનિ બે દિવસ માટે નવી ડુંગળી લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
દર વર્ષે ડુંગળીની નવી સીઝન શરૂ થવા સાથે ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલક પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તે જ રીતે આ વર્ષે માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા ખૂબ જ મોટી જગ્યામાં ડુંગળી ઉતારવા માટેની મંજૂરી આપવામાં આવી છે. અને ખેડૂતો પોતાની ડુંગળી લઈને આવી રહ્યા છે. પરંતુ જે પ્રકારે ડુંગળીની આવક છે તેની સામે ડુંગળીની જાવક ઓછી હોવાને લઈને માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા બે દિવસ માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
હાલ જે પ્રકારે ખેડૂતોને ડુંગળીના ભાવ મળી રહ્યા છે. એકંદરે 300 થી લઈને 500 સુધી એક મણના ભાવ આવી રહ્યા છે. સારા માલના ૫૦૦ કરતાં પણ વધુ ભાવ મળતાં હાલ ખેડૂતોમાં ડુંગળીના ભાવને લઇને સંતોષ જોવા મળી રહ્યો છે.