કાળિયાબીડ વિસ્તારમાં અકસ્માતની ચકચારી ઘટના
પોલીસ અધિકારીના પુત્રએ લગાવી હતી કારની રેસ
સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં સર્જાયો અકસ્માત
અકસ્માતમાં એક યુવક અને વૃદ્ધાનું મોત નીપજ્યું
પોલીસે કાર ચાલક પોલીસ પુત્રની અટકાયત કરી
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં પોલીસ અધિકારીના પુત્રએ રસ્તા પર કારની રેસ લગાવતાં 2 નિર્દોષ લોકોના મોત થયા છે, ત્યારે હાલ તો પોલીસે કાર ચાલક પોલીસ પુત્રની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરના કાળિયાબીડ જેવા ભરચક વિસ્તારમાં અકસ્માતની ભયાનક ઘટના બની છે. જેમાં પોલીસ અધિકારીના પુત્રએ રસ્તા પર કાર રેસ લગાવતાં એક વૃદ્ધા અને એક યુવાકનું મોત થયું છે. ક્રેટા અને બ્રેઝા કાર રસ્તા પર પાગલ ગતિએ દોડી રહી હતી, ત્યાં અચાનક ક્રેટા કારના ચાલકનો સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા પર ઉભેલા 2 લોકોને અડફેટે લીધા હતા.
આ અકસ્માતમાં 33 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું, જ્યારે 65 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. તો બીજી તરફ, અન્ય એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માત બાદ ચારે તરફ ચીસાચીસ અને નાસભાગ મચી હતી. સ્થાનિકોએ સમગ્ર ઘટનાની જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, હર્ષરાજસિંહ ગોહિલ પોતે સ્થાનિક પોલીસ અધિકારીનો પુત્ર છે, ત્યારે આરોપીના પિતા અનિરૂદ્ધસિંહ ગોહિલે પોતે ઘટના સ્થળે આવી પુત્રને પોલીસ મથકે પહોંચાડ્યો હતો. નિલમબાગ પોલીસે BNS અને MVAની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.