Connect Gujarat
ગુજરાત

ભાવનગર : એક સાથે 11 હતભાગીઓની અર્થી ઉઠતાં આખેઆખું દિહોર ગામ હીબકે ચઢ્યું...

ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસ ગોઝારો નિવડ્યો છે, આ પવિત્ર માસમાં ધાર્મિક યાત્રાએ નિકળેલા યાત્રાળુઓ ધાર્મિક યાત્રાને બદલે હંમેશા માટે અનંતની યાત્રાએ પહોંચી ગયા છે.

X

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામેથી ઉત્તરાખંડના હરિદ્વારની ધાર્મિક યાત્રાએ નીકળેલા યાત્રાળુઓની બસને રાજસ્થાનના ભરતપુર નજીક અકસ્માત નડતાં 12 યાત્રાળુઓના મોત નીપજ્યાં હતા, ત્યારે આ દુર્ઘટના બાદ દિહોર ગામે એક સાથે 11 હતભાગીઓની અર્થી ઉઠતાં આખેઆખું ગામ હીબકે ચઢ્યું હતું.

ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસ ગોઝારો નિવડ્યો છે, આ પવિત્ર માસમાં ધાર્મિક યાત્રાએ નિકળેલા યાત્રાળુઓ ધાર્મિક યાત્રાને બદલે હંમેશા માટે અનંતની યાત્રાએ પહોંચી ગયા છે. સૌપ્રથમ ગંગોત્રીથી હરિદ્વાર આવી રહેલા ભાવનગરના યાત્રાળુઓની બસને અકસ્માત નડતા 7 યાત્રીઓએ પ્રાણ ગુમાવ્યા હતા. તેવામાં આ ઘટનાના ઠીક 22મા દિવસે વધુ એક કરુણાંતિકા સર્જાય છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામે બજરંગદાસ બાપા મિત્ર મંડળ ગ્રુપ દ્વારા તાજેતરમાં દિહોર ગામેથી ઉત્તરાખંડના હરિદ્વારની ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે દિહોર ગામેથી હરિદ્વાર નીકળેલા 57 યાત્રીકો સાથેની બસ રાજસ્થાનના ભરતપુર શહેરથી મથુરા તરફ જઈ રહી હતી. તે વેળાએ નેશનલ હાઈવે નં. 21 પર બસમાં ટેકનિકલ ખામી સર્જાતા બસ રોડની સાઈડમાં ઉભી રાખી સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પાછળથી આવી રહેલ ટેન્કર ચાલકે બસને પાછળથી ટક્કર મારતા રોડ સાઈડમાં ઉભેલા તથા બસમાં સવાર કુલ 12 યાત્રીકો જેમાં 7 મહિલા અને 5 પુરૂષોના મોત થયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે, જ્યારે રાજસ્થાનના ભરતપુરથી 6 શબ વાહિનીઓમાં તમામ મૃતદેહો સાથે અન્ય યાત્રીઓને બીજી બસમાં દિહોર રવાના કરવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં વસતા પાલીવાળ સમાજના લોકો મૃતકોની અંતિમયાત્રામાં ઉમટી પડ્યા હતા. એક જ ગામમાંથી એક સાથે 11 અર્થીઓ ઉઠતાં સમગ્ર ગામ હીબકે ચઢ્યું હતું. આ અંતિમયાત્રામાં શહેર-જિલ્લાના રાજકીય આગેવાનો, જ્ઞાતિના અગ્રણીઓ સહિત આસપાસના ગ્રામજનો જોડાયા હતા. તો બીજી તરફ, અત્યંત દુ:ખદ ઘટનાના પગલે સમગ્ર તળાજા પંથકમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.

Next Story