ભાવનગર શહેરમાંથી પસાર થતી બે નદીઓની અલગ અલગ સ્થિતિ જોવા મળી રહી છે. એક નદીના શુધ્ધિકરણની પહેલ કરાય છે તો બીજી નદીમાં સફાઇનો સદંતર અભાવ જોવા મળી રહયો છે.
ભાવનગર શહેરની મધ્યમાંથી બે વેસ્ટવેયર નદી વહે છે. જેમાંથી કંસારા નદીના શુદ્ધિકરણનું કામ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ ગંદકી અને ડ્રેનેજ યુક્ત પાણીથી ભરેલી ગઢેચી નદીનું શુધ્ધિકરણ કેમ નહિ તેવો પ્રશ્ર્ન લોકોમાં ઉઠી રહ્યો છે. ભાવનગરના મહારાજાએ ભાવેનાવાસીઓને પાણીના સ્ત્રોત સમાન બોરતળાવ, ગૌરીશંકર તળાવ ભેટ સ્વરૂપે આપ્યું હતું. જ્યારે પણ બોર તાલાવ ઓવરફ્લો થાય ત્યારે તેમાંથી વેસ્ટ પાણી કંસારા અને ગઢેચી નદીમાંથી પસાર થઈને સમુદ્રમાં ભળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. વસ્તી વધવાની સાથે જ કંસારા અને ગઢેચી નદીમાં અનેક મકાનો બની ચૂક્યા છે.મહા નગરપાલિકા દ્વારા સરકારની ગ્રાન્ટમાંથી ૪૧ કરોડના ખર્ચે કંસારા નદી રમણીય બનાવવા અંગે કામ શરૂ કરાયું છે. જયારે ગઢેચી નદી ગટરગંગા સમાન બની છે.
ભાવનગર શહેરમાંથી પસાર થતી ગઢેચી નદીના કાંઠે પણ હજારો લોકો વસવાટ કરે છે ત્યારે ગંદા પાણીના કારણે તેમના સ્વાસ્થય સામે ખતરો ઉભો થયો છે. કંસારા નદીની જેમ ગઢેચી નદીનું શુધ્ધિકરણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહયાં છે.