/connect-gujarat/media/post_banners/3f3b638aa64a0f67c0b89827f121cc30e9097c5c5e146f0c3c63deb3dc522a63.jpg)
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા હોળીના જ દિવસે બજેટની હોળીનો કાર્યક્રમ રાખી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની કચેરી સામે જ બજેટની હોળી કરી શાસક પક્ષ સામે વિરોધ દર્શાવાયો હતો.
ભાવનગર મનપા ખાતે રજૂ થયેલ બજેટના વિરોધમાં શહેર કોંગ્રેસ સમિતિએ વિરોધ દર્શાવ્યો હતો. જેમાં "હોલી કે દિન, બજેટ કી હોલી"નો કાર્યક્રમ રાખી અનોખી રીતે વિરોધ દર્શાવાયો હતો. કોંગ્રેસના શાસનમાં મહાનગરપાલિકામાં 85 પ્રાથમિક શાળાઓ હતી. જે ભાજપના શાસનમાં ઘટીને 55 થઈ ગઈ છે. તેમજ કોરોનાની વિષમ પરિસ્થિતિમાં પણ લોકોને કોઈ રાહત આપી નથી તેવો આક્ષેપ કરાયો હતો. કોર્પોરેશનના કોઈપણ કામ સમય મર્યાદામાં પુરા થતાં નથી અને કામની ગુણવત્તા પણ જળવાતી નથી. એટલે કે, આ શાસકો બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના આક્ષેપ ઉઠ્યા છે. સાથે જ ભાવનગરની જનતાને આ બજેટમાં કઈ નવું મળ્યું નથી. વિરોધ પ્રદર્શન દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપ ગોહિલ, નગરસેવક, NSUI, IT સેલના સભ્યો સહિત મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.