Connect Gujarat
ગુજરાત

ભુજ : હોડકો ગામમાં સદીઓ જુના ભુંગા, રહેવા માટે ભુંગા હજી લોકોની પહેલી પસંદ

ભુંગાએ લાકડા અને માટીમાંથી બનતાં વિશેષ મકાનો, હોડકાના રહીશે જર્મનીના મ્યુઝિયમ માટે પણ બનાવ્યો ભુંગો.

X

કચ્છના મુખ્યમથક ભુજની નજીક આવેલાં હોડકો ગામમાં સદીઓ જુના ભુંગાએ હજી પણ અસ્તિત્વ જાળવી રાખ્યું છે. કોતરકામ અને બાંધકામના અદભુત નમુના સમાન ભુંગામાં લોકો વસવાટ કરી રહયાં છે.

સરહદી જિલ્લા કચ્છના બન્ની વિસ્તારનું હોડકો ગામ કે જ્યાં આજે પણ લોકો ભુંગા અને નળિયાવાળા ઘરમાં રહે છે. અહીં 100 વર્ષથી પણ વધારે જુનો ભુંગો છે અને તેમાં લોકો વસવાટ કરે છે. હોડકો ગામમાં 400 જેટલા પરિવારો રહે છે અને મુખ્ય વસતી જટ, મારવાડા, મુસ્લિમ અને દલિત સમાજના લોકોની છે. આ ગામની વિશેષતાની વાત કરવામાં આવે તો ગામમાં 100 વર્ષથી વધારે જુના ભુંગા આવેલાં છે.

ગામમાં પાકા મકાનો છે પણ લોકો જુની ઢબથી બનેલાં ભુંગામાં રહેવાનું પસંદ કરી રહયાં છે. ગામના સુમાર ભુરાનો ભુંગો 105 વર્ષથી પણ વધારે જુનો છે. ભુંગા મુખ્યત્વે માટીના બનેલા હોય છે જેમાં લાકડાના તથા છત માટે જુદાં જુદાં પ્રકારના ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે. ભુંગાની બનાવટમાં છાણનું લીપણ કરવામાં આવે છે જેના લીધે ભુંગામાં ઠંડક રહે છે. આ ઉપરાંત ભુંગાની અંદરની બાજુએ માટીકામ કરીને તેને સુશોભિત કરવામાં આવે છે.

લાકડાઓથી ભુંગાની છતને ભુંગાની દીવાલો સાથે ટેકો આપવામાં આવે છે. કચ્છમાં દેશ -વિદેશથી પ્રવાસીઓ આવે છે ત્યારે જર્મનીથી આવેલાં પ્રવાસીઓ આ ભુંગાઓ જોઇને પ્રભાવિત થયાં હતાં. સુમરાભાઇએ જર્મનીના લીપીઝ શહેરમાં આવેલાં મ્યુઝીયમ માટે ભુંગો બનાવી આપ્યો છે.

Next Story