ગુજરાતમાં વિવિધ રસ્તાઓ પર હરહંમેશ માટે વાહન વ્યવહારની સમસ્યાઓ સર્જાતી હોય છે, અને ટ્રાફિકજામથી વાહન ચાલકો પરેશાન થઇ જાય છે.ત્યારે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરવા માટે રાજ્ય સરકારે ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. જેમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી અને યોગ્ય વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને રાજ્યના 61 રસ્તાઓને ફોરલેન-પહોળા કરવા માટે 2995.32 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગને ઉચ્ચકક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવા અને માર્ગોને પહોળા કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમાં સરકારે 203.41 કિલોમીટર લંબાઈ ધરાવતા 21 રસ્તાઓને ફોર લેન કરવા માટે 1646.44 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
આ સાથે 221.45 કિલોમીટર લંબાઈના 15 માર્ગોને 10 મીટર પહોળા કરવા માટે 580.16 કરોડ રૂપિયા અને 388.89 કિલોમીટર લંબાઈના 25 રસ્તાઓને 7 મીટર પહોળા કરવા માટે 768.72 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આમ રાજ્ય સરકાર દ્વારા કુલ 2995.32 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.